અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે તો બીજી તરફ લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદ શહેરમાં વાહન ચાલકોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી ટ્રાફિકના ૧૬ જેટલા નિયમોનો ભંગ કરવા બદલ વાહનચાલકના ઘરે ઈ-મેમો મોકલવામાં આવશે. આ માટે શહેરમાં ૧૩૦ ટ્રાફિક સિગ્નલો પર ૬૫૦૦ જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે પહેલા માત્ર ટ્રાફિકના ૩ નિયમો તોડનારાને ઈ-મેમો આવતા હતા.
અમદાવાદમાં રિક્ષામાં નિયમ કરતા વધારે પેસેંજર હશે તો પણ ઈ-મેમો આવશે. વધુમાં વાત કરીએ તો રિક્ષામાં ડ્રાઈવર સીટ પર પેસેન્જર બેઠા હશે તો પણ ઈ-મેમો આવશે. BRTS કોરિડોરમાં વાહન ચલાવશો તો ઈ-મેમો આવશે. ફોર વ્હિલરમાં કાળા કાચ અથવા તો ડાર્ક ફિલ્મ લગાવેલી હશે તો ઈ-મેમો આવશે. ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ ફોન પર વાત કરતા હશો તો ઈ-મેમો આવશે.
ગુજરાત ઉપરાંત રાજસ્થાન, ગોવા અને મહારાષ્ટ્રની પોલીસ દ્વારા અમદાવાદના વાહન ચાલકોની ફરિયાદ RTOને મળી હતી. જેના કારણે તાત્કાલિક અસરથી અમદાવાદ આરટીઓ આર.એસ.દેસાઈએ કાર્યવાહી કરી છે. નજીકના દિવસોમાં અમદાવાદના રસ્તા ઉપર પણ રફ ડ્રાઇવીંગ કરનારા લોકો સામે પણ કાયદાકીય કાર્યવાહી થશે. RTO અને પોલીસ દ્વારા નિયમનું પાલન નહિ કરનાર વાહન ચાલકો પર તવાઈ શરૂ કરી છે. નિયમનું પાલન નહિ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ હવે કાયદાનું ભાન કરાવવા વધુ કડક કાર્યવાહી હાથ ધરશે.