નાણામંત્રી કનુ દેસાઈએ વલસાડમાં અતુલ-દિવેદ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ અને ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩’નો શુભારંભ કરાવ્યો

રૂપિયા ૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત અતુલ-દિવેદ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું. વલસાડના પારડી તાલુકાના ડુંગરી ગામ ખાતે ડુંગરી તળાવને ઉંડુ કરવાના રૂ. ૫ લાખના કામનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩’નો શુભારંભ કરાવ્યો

નાણાં,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૫૨ કરોડના ખર્ચે ૧૨૨૩ મીટરના નવા નિર્માણ કરાયેલા અતુલ – દિવેદ (એલ.સી. નં -૯૪બી) રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું. આ ઓવરબ્રિજ દ્વારા કોસ્ટલ હાઈવેને જોડતા ભગોદ, ઉમરસાડી તેમજ દમણ જવા માટે ટૂંકી કનેક્ટીવીટી મળશે. વલસાડના શહેરી, ગ્રામ્ય વિસ્તાર અને રેલવે ઓવરબ્રિજની આસપાસના ગામોને રેલવે ફાટક ઉપર સમય વેડફ્યા વિના ગામોમાં ઝડપી ઈન્ટર કનેક્ટીવીટી મળશે. ઓવરબ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રીએ કહ્યું હતું કે, આ ઓવરબ્રિજ દ્વારા લોકોને ઝડપી કનેક્ટીવીટી મળશે અને રેલવે ફાટકની સમસ્યા રહેશે નહીં. લોકોના કિંમતી સમય અને પેટ્રોલની પણ બચત થશે જેના કારણે પર્યાવરણને પણ ફાયદો થશે. ગુજરાતમાં વર્ષ ૨૦૦૨ થી ૨૦૧૪ સુધીમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની તાસીર બદલી નાંખી છે. ત્યારે ૨૦૧૪થી લોકોએ એમને પ્રધાનમંત્રી તરીકે દેશના પ્રતિનિધિ બનાવ્યા બાદ એમના નેતૃત્વમાં દેશમાં એક નવું જ પરિવર્તન આવી રહ્યું છે. તેના પરિણામરૂપે આજે સમગ્ર વિશ્વમાં જી-૨૦ સમૂહોના દેશનું આજે નેતૃત્વ કરીને ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન બનાવી રહ્યું છે એનો સૌથી વધું યશ દેશના યુવાઓને જાય છે. દેશના કમાતા યુવાધનને કારણે ખુબ જ જલ્દી ભારત વિશ્વનો નંબર.૧ દેશ બની જશે આ પ્રસંગે સાંસદ ડૉ. કે. સી. પટેલ અને વલસાડ ધારાસભ્ય ભરત પટેલ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. આ અવસરે જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, કલેકટર ક્ષિપ્રા એસ. આગરે, સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ, વલસાડ પ્રાંત નિલેશ કુકડિયા અને પશ્ચિમ રેલવેના એરિયા મેનેજર અશોક ત્યાગી ઉપસ્થિત રહ્યા હતા.

વલસાડ જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩’ નો શુભારંભ કરાવતા નાણામંત્રી કનુ દેસાઈએ પારડી તાલુકાના ડુંગરી તળાવને ઊડું કરવાના રૂ.પાંચ લાખના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. વલસાડના પારડી તાલુકાના ડુંગરી ગામા ખાતે ડુંગરી તળાવને ઉંડુ કરવાના રૂ. ૫ લાખના કામનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩’નો શુભારંભ કરાવ્યો હતો. આ યોજના અંતર્ગત જિલ્લામાં તળાવ ઉંડા કરવાના અને નદી પુન: જીવિત કરવાના રૂ.૧૪.૪૦ કરોડના કુલ ૪૨૧ જળ સંચયના કામોનું હાથ ધરાશે. જેમાં રૂ.૪.૪૦ કરોડના ૭૧ કામો લોક ભાગીદારીથી, મનરેગા હેઠળ રૂ.૨.૫૫ કરોડના ૧૮૬, ડિપાર્ટમેન્ટલ કામગીરી હેઠળ રૂ.૬.૮૮ કરોડના ૧૨૬, વન વિભાગ ડિપાર્ટમેન્ટલ કામગીરી હેઠળ રૂ.૧ કરોડના ૩૩ અને નગરપાલિકા ડિપાર્ટમેન્ટલ કામગીરી હેઠળ રૂ.૫.૪૬ લાખના ૫ કામો હાથ ધરવામાં આવશે. કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, માં નર્મદાના ‘સરદાર સરોવર યોજના’ થકી ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યાનો હંમેશ માટે ઉકેલ આવ્યો છે. આપણો જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ધરાવતો જિલ્લો છે ત્યારે વધારાના અને વેડફાય જતા પાણીનો સુજલામ સુફલામ યોજનાના માધ્યમથી જળ સંચયના અનેકવિધ કામોના આયોજન થકી ભવિષ્ય માટે જળ સંચય કરવાનો એક પ્રયત્ન છે. આ ધ્યેય ત્યારે જ પુરૂ થશે જ્યારે આ સંચિત જળનો સંયમથી ઉપયોગ કરાશે. પાણી એ ભગવાનનો પ્રસાદ છે એને વેડફાતું અટકાવવું જોઈએ. સિંચાઈમાં ડિપઈરીગેશન દ્વારા પણ પાણીની બચત થઈ શકે છે જેના માટે સરકાર પ્રયત્નશીલ છે. ઈઝરાયેલની જેમ પાણીનો સંપુર્ણ ઉપયોગ કરી ઓછા પાણીથી વધુ ઉત્પાદન મેળવવાના પ્રયત્નો કરવા જરૂરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આવનારી પેઢીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સંકલ્પ કર્યો છે કે દરેક જિલ્લામાં ૭૫ તળાવો બનાવવા તેમજ અત્યાર સુધી પર્યાવરણના રક્ષણ માટે ૭૫ જેટલા નમો વડના વનો પણ તૈયાર થઈ ચૂક્યા છે. સુજલામ સુફલામ યોજના હેઠળ વલસાડના દરેક તાલુકાઓમાં તળાવો ઊંડા કરવાના, નવા ચેકડેમ અને તળાવ બનાવવાની, ચેકડેમ ડિસીલ્ટિંગ, ચેકડેમ રીપેરીંગ, જળાશય ડિસીલ્ટિંગ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, નહેરોની અને નદી/વોંકળાની સાફસફાઈ, માટીપાળા, ગેબિયન, ચેકવોલ, ખેત તલાવડી, પીવાના પાણીની લાઇનો, વન તલાવડી, નદી કાંઠે વૃક્ષારોપણ, વેસ્ટ વિયર રીપેરીંગ, વગેરે કામો કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ, સાંસદ ડૉ. કે .સી.પટેલ અને કલેકટર ક્ષિપ્રા આગ્રેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન પ્રમુખશ્રી હેમંત કંસારા, જિલ્લા સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, પારડી પ્રાંત ડી. જે. વસાવા, દમણગંગા યોજના વિભાગ વલસાડના કાર્યપાલક ઇજનેર એમ. એમ.ગાંવિત, પારડી તાલુકા પંચાયત પ્રમુખ મિત્તલબેન પટેલ અને પારડી મામલતદાર આર.આર.ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *