તુર્કીયે અને સીરિયાની ધરતી ફરીવાર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી છે. તુર્કીયેમાં સોમવારના રોજ ( ૨૦ ફેબ્રુઆરીએ ) ૧૪ દિવસ બાદ ફરીવાર ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપમાં ૩ લોકોના મોત પણ નિપજ્યાં છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ ધરતીકંપ તુર્કીયેના દક્ષિણ હટે પ્રાંતમાં આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૪ નોંધવામાં આવી છે. વધુમાં જણાવી દઇએ કે, ભૂકંપનું કેન્દ્રબિંદુ દક્ષિણ તુર્કીના અંતાક્યા શહેર નજીક હતું. સીરિયા, ઇજિપ્ત અને લેબનોનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
અનાદોલુ એજન્સીએ તુર્કીયેના ગૃહ પ્રધાન સુલેમાન સોયલુને ટાંકીને જણાવ્યું હતું કે, તુર્કીયેના દક્ષિણી હટે પ્રાંતમાં તાજેતરમાં આવેલા ભૂકંપના આંચકાથી ઓછામાં ઓછાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે ૨૧૩ અન્ય ઘાયલ થયા હતા. રાષ્ટ્રપતિ રેસેપ તઇપ એર્દોગને સોમવારે હટે પ્રાંતની મુલાકાત પણ લીધી હતી તેમજ જણાવ્યું હતું કે, ‘તેમની સરકાર આવતા મહિનાની શરૂઆતમાં ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં લગભગ ૨,૦૦,૦૦૦ નવા ઘરો બાંધવાનું શરૂ કરશે.
તુર્કીયે અને સીરિયામાં ૬ ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપમાં ૪૭,૦૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હજારો મકાનોને નુકસાન થયું છે. દુનિયાભરના દેશો તુર્કી અને સીરિયામાં રાહત અને બચાવ કામગીરી ચલાવી રહ્યા છે. ભૂકંપ પીડિતોને આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા છે. વિનાશક ભૂકંપમાં લાખો લોકો બેઘર બન્યા છે. સીરિયાના કેટલાક વિસ્તારોમાં વિદ્રોહીઓ સાથેની લડાઈને કારણે રાહત સામગ્રી મોકલવામાં મુશ્કેલી પડી રહી છે.