રાજયપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૩ – ૨૪ ના બજેટને ખેડૂતો માટે કલ્યાણકારી અને લાંબાગાળાના લાભ આપનારું ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ માટે કિસાનો પ્રેરિત થાય એવા પ્રયત્નો કરીને, ખેડૂતોની આવક બમણી કરવા સરકારે વાવણીથી વેચાણ સુધી ખેડૂતોની પડખે રહેવાની પ્રતિબદ્ધતા આ અંદાજપત્રમાં વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુ દેસાઈને અમૃતકાળ માટે ગુજરાતના સામાજિક અને આર્થિક વિકાસની દિશા નિર્ધારિત કરતા અંદાજપત્ર માટે અભિનંદન આપતાં રાજ્યપાલે ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેતી સંલગ્ન પરિક્ષણ અને કૃષિ, મત્સ્યોદ્યોગના વિસ્તરણ-સંશોધન માટે કાર્યરત ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધન અને માળખાકીય સગવડોના વિકાસ માટે રાજ્ય સરકારે રૂપિયા ૧૧૫૩ કરોડની જોગવાઈ કરી છે. જે આવકાર્ય છે અને આ જોગવાઈથી ખેડૂતોની આવતીકાલ વધુ ઉજ્જવળ બનશે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા રૂપિયા ૨૦૩ કરોડની ફાળવણી કરાઈ છે, જેનાથી વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા અને દેશી ગાયોની જાળવણી કરવા પ્રોત્સાહિત થશે.