અંગદાન કરનાર ૧૬ પરિવાર તથા અંગદાન સમયે ફરજ બજાવતા ૪૭ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને સુરતની નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમ ખાતે સિવિલ હોસ્પિટલ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંગદાન પ્રશંસા સહ અંગદાતા પરિવારોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય સંગીતાબેન પાટીલના હસ્તે અંગદાન કરનાર ૧૬ પરિવાર તથા અંગદાન સમયે ફરજ બજાવતા ૪૭ કર્મીઓનું સન્માન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન સિવિલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ નાટક રજૂ કરી અંગદાનનું મહત્વ અને જાગૃત્તિનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે સિવિલ હોસ્પિટલ સાથે એક અલગ પ્રકારનો સંબધ રહ્યો છે, સિવિલના આંગણામાં સુખઃદુખની અનેક ઘટનાઓના સાક્ષી થયો છું, ત્યારે સિવિલ હોસ્પિટલ તંત્ર અંગદાન તરફ આગેકુચ કરી સીમાચિહ્નરૂપ કામગીરી કરી રહ્યું છે, જે સરાહનીય છે. છેલ્લા છ મહિનામાં ૧૮ પરિવારોએ સ્વજન બ્રેન ડેડ થવાના કિસ્સામાં સિવિલ હોસ્પિટલના સહયોગથી અંગદાન કર્યું છે એનો ઉલ્લેખ કરતા મંત્રીએ જણાવ્યું કે, અંગદાતા પરિવારોની માનવસેવા શબ્દોમાં ન આંકી શકાય એટલી અમૂલ્ય છે. આ ૧૮ પરિવાર ઈશ્વરીય દૂતો છે, જેમણે અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપ્યું છે. દુ:ખની ઘડીમાં પણ સમયસર, યોગ્ય અને સાચો નિર્ણય લઈને અન્ય દર્દીઓના જીવનમાં ઉજાસ પાથરવામાં નિમિત્ત બન્યા છે એમ જણાવી તેમની હિંમત અને માનવસેવાની ભાવનાને બિરદાવી હતી. પોતાના સ્વજનોનું અંગદાન કરવા માટે તૈયાર થાય છે.આ પરિવારને રાજ્યના નાગરિક તરીકે વંદન કરું છું એમ તેમણે ઉમેર્યું હતું.