ભારતના વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકરે ઈન્ડિયા યુરોપ બિઝનેસ એન્ડ સસ્ટેનેબિલિટી કોન્ક્લેવ દરમિયાન જણાવ્યું હતું કે, ભારત અને યુરોપિયન દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે.
વિદેશ મંત્રીએ કહ્યું કે, સ્થિરતા લાવવામાં વ્યવસાયની પ્રાથમિક ભૂમિકા રહે છે. ભારત અને યુરોપ બહુપક્ષીય, ભૌગોલિક રાજકીય અને સુરક્ષા ચિંતાઓ ક્ષેત્રે એકબીજા સાથે સંકળાયેલા છે. યુરોપ ભારતનો સૌથી મોટો અને સૌથી મહત્વપૂર્ણ વેપાર ભાગીદાર છે. અર્થતંત્રની વાતને લઈને તેમણે જણાવ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં ભારત એકમાત્ર ઝડપથી વિકસતું અર્થતંત્ર બનશે. ઉલ્લેખનીય છે કે, ભારત યુરોપ બિઝનેસ એન્ડ સસ્ટેનેબિલિટી કોન્ક્લેવ ૧ માર્ચ સુધી ચાલશે. વર્ષ ૨૦૨૧ માં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ૮૮ અબજ ડોલર પાઉન્ડનો દ્વિપક્ષીય વેપાર થયો હતો. જે ભારતના કુલ વેપારના ૧૦ % ની નજીક હિસ્સો ધરાવે છે. યુએસ અને ચીન પછી, ભારત યુરોપિયન યુનિયનના દેશોમાં સૌથી વધુ ઉત્પાદનોની નિકાસ કરે છે. છેલ્લા એક દાયકામાં ભારત અને યુરોપિયન દેશો વચ્ચેના વેપારમાં ૩૦ % નો વધારો થયો છે.