આ વેબિનાર બજેટમાં નિર્ધારિત લક્ષ્યો માટે ઉત્પ્રેરકના રૂપમાં કામ કરે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી “મિશન મોડમાં પ્રવાસનનો વિકાસ” વિષય પર આયોજિત વેબિનારને સંબોધિત કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે, બજેટને જનતાએ સકારાત્મકરૂપે લીધો છે. આ વેબિનાર બજેટમાં નિર્ધારિત લક્ષ્યો માટે ઉત્પ્રેરકના રૂપમાં કામ કરે છે. આપણો દેશ નવી સંસ્કૃતિ સાથે આગળ વધી રહ્યો છે. ભારતના સંદર્ભમાં પ્રવાસનનો અવકાશ ખૂબ જ મોટો અને પ્રાચીન છે. પ્રધાનમંત્રી મોદીએ સંબોધનમાં ચારધામ યાત્રા, ૫૧ શક્તિપીઠની યાત્રાના ઉલ્લેખ સાથે ગુજરાતના નર્મદામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદના કાંકરિયાનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાથે સાથે પ્રધાનમંત્રીએ સરહદી રાજ્યોના ગામોમાં પર્યટનને વિકસાવવા વાઇબ્રન્ટ સરહદી યોજના અંગે પણ વાત કરી હતી. આપણા ત્યાં થનાર યાત્રાઓએ દેશની એક્તાને મજબૂત કરવાનું પણ કામ કર્યું છે.
કેન્દ્રીય બજેટમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યોની સક્રિય ભાગીદારી, સરકારી કાર્યક્રમોના સંકલન અને જાહેર-ખાનગી ભાગીદારી સાથે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે મિશન મોડમાં હાથ ધરવામાં આવશે. ઓછામાં ઓછા ૫૦ સ્થળોને ચેલેન્જ મોડ દ્વારા પસંદ કરવામાં આવશે અને તેને પ્રવાસનના સંપૂર્ણ પેકેજ તરીકે વિકસાવવામાં આવશે. દેખો અપના દેશના ઉદ્દેશ્યોને હાંસલ કરવા માટે ક્ષેત્ર વિશિષ્ટ કૌશલ્ય અને ઉદ્યોગસાહસિકતાના વિકાસને પૂર્ણ કરવામાં આવશે.