પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પૂર્વોત્તરના ત્રણ રાજ્યોના પ્રવાસના ભાગરૂપે નાગાલેન્ડની રાજધાની કોહિમા પહોંચશે
પૂર્વોત્તરના બે રાજ્યો નાગાલેન્ડ અને મેઘાલયમાં આજે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. એનડીપીપીના નેફિયુ રિયો અને એનપીપીના કોનરાડ સંગમા અનુક્રમે નાગાલેન્ડ અને મેઘાલયના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પૂર્વોત્તરના ત્રણ રાજ્યોના પ્રવાસના ભાગરૂપે નાગાલેન્ડની રાજધાની કોહિમા પહોંચશે. તેઓ અહીં નાગાલેન્ડ અને મેઘાલયની નવી રચાનારી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. નાગાલેન્ડમાં એનડીપીપીના નેફિયુ રિયોના નેતૃત્વમાં અને મેઘાલયમાં એનપીપીના નેતા કોનરાડ સંગમાના નેતૃત્વમાં સરકાર રચાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આવતીકાલ બુધવારે ત્રિપુરાની રાજધાની અગરતલા પહોંચશે.
નાગાલેન્ડમાં આ વખતની વિધાનસભા ચૂંટણીમાં એનડીપીપી અને બીજેપી ગઠબંધનએ સત્તાસ્થાન હાસંલ કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાગાલેન્ડમાં નિફિયુ રિયોની સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આ પછી પીએમ મોદી મેઘાલયમાં NPP સાથે બીજેપી ગઠબંધનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે. મંગળવારની રાત પ્રધાનમંત્રી ગુવાહાટીમાં રોકાશે. આ દરમિયાન તેઓ અહીં ભાજપના મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓને પણ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે સવારે ત્રિપુરાની રાજધાની અગરતલા જશે, જ્યાં તેઓ બીજેપી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.