ગુજરાતમાં હોંગકોંગ ફ્લૂના કેસમાં સતત વધારો થયો છે. સોલા સિવિલમાં ગત સપ્તાહે વાયરલ ઈન્ફેક્શનના ૧,૩૯૧ કેસ નોંધાયા છે. હોંગકોંગ ફ્લૂ H3N2 મુદ્દે IMAના ડો.મુકેશ મહેશ્વરીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ૬૦ % કેસ સ્વાઈન ફ્લૂના અને ૩૫ % કેસ હોંગકોંગ ફ્લૂના નોંધાયા છે. સાથે કોરોનાના કેસો પણ વધી રહ્યાં છે. હોંગકોંગ ફ્લૂમાં તાવ ૨ – ૩ દિવસમાં જતો રહે છે. હોંગકોંગ ફ્લૂમાં ખાંસી ૨ – ૩ અઠવાડિયા સુધી રહે છે. હોંગકોંગ ફ્લૂવાળા દર્દીએ જાતે કે મેડિકલ સ્ટોરમાંથી દવાઓ ન લેવી જોઈએ. હોંગકોંગ ફ્લૂએ સ્વાઈન ફ્લૂ કરતા માઈલ્ડ છે પણ વધુ સમય અસર રહે છે. H1N1 સાથે-સાથે હોંગકોંગ ફ્લૂના કેસો વધ્યા છે.

રાજકોટમાં પણ H3N2 ફ્લૂના કેસમાં સતત વધારો નોંધાયો છે. ગંભીર દર્દીઓના ટેસ્ટ કરવાની સૂચના અપાઈ છે. સ્વાઈન ફ્લૂના લક્ષણ જણાય તો યોગ્ય સારવાર લેવા તબીબોએ સલાહ આપી છે. મનપાના આરોગ્ય કેન્દ્રોમાં શરદી, ઉધરસ અને તાવના કેસ વધ્યા છે. તો રાજકોટમાં કોરોનાનો પણ એક કેસ નોંધાયો છે. ICMR દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

આ મામલે કેન્દ્રીય આરોગ્ય વિભાગ પર સતર્ક મોડમાં આવી ગયો છે અને આરોગ્ય મંત્રાલય સોમવારે H3N2 વાયરસના વધતા કેસોની ચર્ચા માટે આરોગ્ય નિષ્ણાતો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં નિષ્ણાતોએ કહ્યું હતું કે દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે પરંતુ ફ્લુના કેસમાં વધી રહ્યા હોવાથી આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય છે.