ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ સિરીઝમાં ૨ – ૧ થી આગળ ચાલી રહી છે, પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ફાઈનલમાં સીધા ક્વોલિફાય થવા માટે આજે શરુ થનારી ટેસ્ટ જીતવી જરુરી છે. આજે જ્યાં મેચ રમાવા જઈ રહી છે તે અમદાવાદનું સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, પરંતુ ખાસ વાત એ છે કે જેમના નામ પર આ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે તે વ્યક્તિ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્ટેડિયમમાં બેસીને એક પણ લાઈવ મેચ નથી જોઈ. જોકે, પીએમ નરેન્દ્ર મોદી આ મેચને જોવા માટે આવ્યા છે, એટલું જ નહીં ઑસ્ટ્રેલિયાના પીએમ એન્થોની એલ્બનીઝ પણ આ મેચ નીહાળશે. એટલે કે બંને દેશના વડાપ્રધાનો એક સાથે મેચ નિહાળતા જોવા મળશે.

ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ હાજર રહેવાના છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે સવારે ૦૮:૩૦ વાગ્યાની આસપાસ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે ૧૦:૦૦ વાગ્યા સુધી ભારત-ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ નિહાળશે. મેચ નિહાળ્યા બાદ ૧૦:૨૦ વાગ્યે વડાપ્રધાન મોદી ગાંધીનગર રાજભવન પહોંચશે. જ્યાં વડાપ્રધાન મોદી સાંજે ૦૪:૦૦ વાગ્યા સુધી રાજભવન ખાતે રોકાણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાડા ચાર વાગ્યે રાજભવનથી નિકળી દિલ્હી જવા રવાના થશે.

ગઈકાલે મોડી રાત્રે PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે તેમનું સ્વાગત કર્યું હતું. PM મોદી એરપોર્ટથી રાત્રી રોકાણ માટે રાજભવન ખાતે પહોંચ્યા હતા જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ઉષ્માપૂર્વક આવકાર્યા હતાં.

ફાઇનલ ટેસ્ટ મેચ પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં દર્શકો આવવાનું શરૂ થઈ ચૂક્યું છે. પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ સાથે આજની મેચ નિહાળશે.

