ગુજરાતમાં હવે ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. દરમ્યાન સાથે-સાથે છેલ્લા કેટલાંક દિવસથી વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. થોડાક દિવસ અગાઉ જ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના લીધે ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચ્યું હતું. ત્યારે વધુ એકવાર હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં આજથી ૧૫ માર્ચ સુધી ફરીવાર વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં તારીખ ૧૩, ૧૪ અને ૧૫ માર્ચે કમોસમી વરસાદ વરસી શકે છે. એમાંય વળી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા તો દ. ગુજરાતમાં ડાંગ, વલસાડ, નવસારી, તાપી અને દાહોદ તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર તેમજ કચ્છમાં પણ કમોસમી માવઠાની સંભાવના વ્યક્ત કરાઇ છે. જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તમને જણાવી દઇએ કે, ઉત્તર-પૂર્વીય પવનોના કારણે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે.