રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે પ્રોબેશનરી આઈ.પી.એસ. અધિકારીઓની શુભેચ્છા મુલાકાત

ગુજરાત પોલીસ એકેડમી, કરાઈમાં તાલીમ લઈ રહેલા ૮ પ્રોબેશનર આઈ.પી.એસ. અધિકારીઓએ આજે ગાંધીનગર રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમને કર્મની પવિત્રતા જાળવતા, સેવા અને પરોપકારની ભાવના સાથે કર્તવ્યપાલન કરવાની શીખ આપી હતી.

વર્ષ ૨૦૨૧ની ભારતીય પોલીસ સર્વિસીસની આ ૭૪મી આર. આર. બેચ છે. ગુજરાત કેડર માટે પસંદગી પામેલા આઠ પ્રોબેશનર આઈ.પી.એસ. અધિકારીઓની હવે જિલ્લા સ્તરીય તાલીમ શરૂ થઈ રહી છે. આ અધિકારીઓને અભિનંદન આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત આત્મવિશ્વાસપૂર્વક તેજ ગતિથી વિકાસ પ્રતિ આગળ વધી રહ્યું છે. ઊર્જાવાન પ્રધાનમંત્રીએ કઠોર તપસ્યા, પરિશ્રમ અને પ્રમાણિકતાપૂર્વક દેશને નવી દિશા આપી છે ત્યારે રાષ્ટ્રભક્તિની ભાવના સાથે પ્રમાણિકતાપૂર્વક પીડિતો અને શોષિતોની સેવામાં આદર્શ ફરજ બજાવવા તેમણે અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

આઠ પ્રોબેશનર આઈ.પી.એસ. અધિકારીઓમાં ત્રણ અધિકારીઓ ગુજરાતી છે, એટલું જ નહીં તમામ અધિકારીઓએ ઉચ્ચ અભ્યાસ કર્યો છે. આ માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને દુનિયાએ જે ચીલો પાડ્યો છે તેના પર જ ચાલીને ભીડનો ભાગ બનવાને બદલે મહાપુરુષની માફક મૂલ્યો આધારિત નવો માર્ગ કંડારવા અને સમાજનું નેતૃત્વ કરવા અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *