ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨ ની પરીક્ષાનો આજથી ૧૪ માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધોરણ ૧૦ ની પરીક્ષા ૧૪ માર્ચથી ૨૮ માર્ચ સુધી ચાલશે અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ૧૪ માર્ચથી ૨૯ માર્ચ સુધી ચાલશે. ઉપરાંત ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ૧૪ થી ૨૫ માર્ચ સુધી ચાલશે.
ગુજરાત રાજ્યના ૧,૬૨૩ કેન્દ્રો પર ધોરણ ૧૦ અને ૧૨ ના કુલ ૧૬.૪૯ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં ધોરણ ૧૦ બોર્ડમાં ૯,૫૬,૭૫૩, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૫,૬૫,૫૨૮, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧,૨૬,૮૯૬, સંસ્કૃત પ્રથમાના ૬૪૪, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહના ૪,૩૦૫, વ્યવસાયલક્ષી પ્રવાહના ૭૯૩ જ્યારે સંસ્કૃત માધ્યમના ૭૩૬ વિદ્યાર્થીઓ નોંધાયા છે. સાથે જ જેલમાંથી ધોરણ ૧૦ ના ૧૦૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તો ધોરણ ૧૨ ના ૫૬ વિદ્યાર્થીઓ જેલમાંથી પરીક્ષા આપશે.