ભારતમાં સતત ઈન્ફ્લુએન્ઝા વાયરસ H3N2ના કેસ વધી રહ્યા છે. શરદી, ખાંસી અને તાવના કેસમાં વૃદ્ધિ થઈ રહી છે અને આ વાયરસ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, ઋતુ બદલાવ સમયે ફ્લૂના કેસ સામે આવતા હોય છે, પરંતુ આ વર્ષે સૌથી વધુ કેસ સામે આવ્યા છે. આ વચ્ચે ગુજરાતમાંથી ભયજનક સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં એક મહિલાનું H3N2 વાયરસથી મોત થયું છે.
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા ૫૮ વર્ષીય મહિલામાં શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણો હતા. જેથી તેઓને સારવાર માટે શહેરની એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ અંગેની જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે. મહિલાના પરિવારજનોના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
H3N2 વાયરસના લક્ષણો
- નાકમાંથી પાણી નીકળવું
- તાવ આવવો
- પહેલા શરૂઆતમાં કફવાળી ખાંસી અને પછી લાંબા સમય સુધી સૂકી ખાંસી
- છાતીમાં દુખાવો
- માથામાં દુખાવો
- માંસપેશી અને સાંધામાં દુખાવો
- થાક અનુભવવો
- ગળામાં ખરાશ
- H3N2થી રિકવરી
H3N2 વાયરસ થયા બાદ તાવ એક સપ્તાહમાં જ મટી જાય છે. શર્દી અને ખાંસીને મટવામાં વધુ સપ્તાહનો સમય લાગે છે. આ કારણોસર આ બિમારી દરમિયાન સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.
WHO અનુસાર ભીડભાડવાળી જગ્યાએ જવાથી તમને આ બિમારી થઈ શકે છે. ઈન્ફ્લુએન્ઝાથી સંક્રમિત વ્યક્તિ ખાંસી અથવા છીંક ખાય તો અન્ય વ્યક્તિને પણ આ ઈન્ફ્લુએન્ઝા થઈ શકે છે. આ કારણોસર ખાંસી ખાતા સમયે અને છીંક ખાતા સમયે મોંછુ ઢાંકવું જોઈએ. સ્વચ્છતા જાળવી રાખો અને વારંવાર હાથ ધોતા રહેવું જોઈએ.
H3N2થી કેવી રીતે બચી શકાય?
- ભીડભાડવાળી જગ્યાએ ના જશો. હાથ ના મિલાવો અને માસ્ક પહેરો.
- આંખ અને નાકને હાથ ના અડાડવો.
- ખાંસી ખાતા સમયે મોઢું અને નાક ઢાંકીને રાખો.
- જાહેર સ્થળ પર ના જશો.
- ડૉકટરની સલાહ અનુસાર દવા લો.
- દૂર દૂર બેસીને ભોજન કરવું.