ખેડૂતોને કૃષિલક્ષી તાલીમ તમજ શોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ સહાય થકી ખેતરમાં જ શાકભાજી અને ફળોના પાકોના ગ્રેડિંગ યુનિટ ઊભા કરી રહ્યા છે

અમદાવાદ જિલ્લામાં ૧,૫૯૦ ખેડૂતોને સંસ્થાકીય તાલીમ અપાઈ

રાજ્યના કૃષિ મંત્રી રાધાજી પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતોની આવક બમણી થાય અને આર્થિક રીતે સધ્ધર બને એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા કૃષિલક્ષી કૌશલ્ય તાલીમ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને સંસ્થાકીય,પ્રિસીઝનલ તથા અન્ય માર્ગદર્શન માટે તાલીમ પૂરી પાડવામાં આવે છે. રાજ્ય માં કાર્યરત ચારેય કૃષિ યુનિવર્સિટીઓમાં ખેતી માટે થતા સંશોધનો તથા વૈજ્ઞાનિક ઢબે ટેકનોલોજીના માધ્યમ દ્વારા માર્ગદર્શન મળી રહે એ માટેનું સંપૂર્ણ માર્ગદર્શન આ તાલીમમાં પુરૂ પાડવામાં આવે છે.

આજે વિધાનસભા ખાતે અમદાવાદ જિલ્લામાં કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી પટેલે કહ્યું કે, અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧,૫૯૦ ખેડૂતોને સંસ્થાકીય તાલીમ આપવામાં આવી છે જેમાં ૭૮૦ મહિલાઓ અને ૮૧૦ પુરુષોનો સમાવેશ થાય છે. આ પાછળ રૂ. ૧૯,૭૩,૧૬૬નો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરાયો છે.

મંત્રી એ ઉમેર્યું કે, આ તાલીમનો મુખ્ય હેતુ પ્રવર્તમાન ટેકનોલોજીના યુગમાં વૈજ્ઞાનિક ઢબે ખેતી કરીને પાક ઉત્પાદન વધે એ આશયથી થતા સંશોધનો અને ટેકનોલોજીનું મહત્તમ માર્ગદર્શન આપવામાં આવે છે.જેમાં સંસ્થાકીય તાલીમ તથા પ્રિસીઝનલ તાલીમ કાર્યક્રમ,રાજ્ય બહાર પ્રવાસ કાર્યક્રમ સહિતના પ્રયાસો સરકાર દ્વારા કરાય છે. આ તાલીમના પરિણામે ખેડૂતો સારી રીતે ખેતી કરીને પાક ઉત્પાદન વધારી શકે છે. ખેતી આજે એક ઉદ્યોગ તરીકે બન્યો છે ત્યારે નવી ટેકનોલોજી, બજાર વ્યવસ્થા, બજાર ભાવ સહિતની માહિતી તાલીમમાં આપવામાં આવે છે. આધુનિક યુગમાં મહિલાઓ પણ વિકાસમાં સહભાગી બની રહી છે ત્યારે મહિલાઓને પણ આ પ્રકારની તાલીમ આપીને આર્થિક રીતે સધ્ધર કરવાના પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાય છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા બે નાણાંકીય વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં શાકભાજી અને ફળોના શોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ માટેની યોજનામાં યુનિટ ઊભા કરવા સહાય પેટે રૂ. ૧૭,૯૮,૭૮૦ ચુકવવામાં આવ્યા છે. આ સહાયથી શોર્ટિંગ અને ગ્રેડિંગના ૩ યુનિટ ઊભા કરવામાં આવ્યા છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, શોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ માટેની યોજનામાં વ્યક્તિગત લાભાર્થી જો સામાન્ય વિસ્તારમાંથી આવતો હોય તો તેને મહત્તમ ૬ લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે અને જો તે આદિજાતિ વિસ્તારમાંથી આવતો હોય તો તેને રૂપિયા ૮.૨૫ લાખની મહત્તમ સહાયની ચૂકવણી કરવામાં આવે છે. આ ઉપરાંત  એપીએમસી, સહકારી ખેડૂત સંસ્થા, જાહેર સાહસો, નગરપાલિકા કે રજીસ્ટર્ડ ખેડૂત ઉત્પાદક સંગઠનો સામાન્ય વિસ્તારમાં આવેલી હોય તો મહત્તમ રૂ. ૯.૭૫ લાખ તથા આદિજાતિ વિસ્તારમાંથી આવતા હોય તો રૂ. ૧૧.૨૫ લાખની મહત્તમ સહાયની ચુકવણી કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *