હાલમાં ગુજરાત વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિધાનસભામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, મેડિકલ કોલેજમાં વર્ગ-૧ના ડોકટરોની જગ્યાઓ ૨૦૨૪ સુધીમાં ભરી દેવાનું આયોજન છે. વર્ગ-૧થી વર્ગ-૪ની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત જાહેર સેવા પસંદગી સેવા મંડળને માગણાં પત્રથી ભરતી પ્રક્રિયા માટે આપવામાં આવી છે. એમપી શાહ મેડિકલ કોલેજ ,જામનગર ખાતે ૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ ૭૧૮ મંજૂર જગ્યાઓ સામે ૫૧૮ જગ્યાઓ ભરવામાં આવી છે. ખાલી ૨૦૦ જગ્યાઓ માટે પ્રક્રિયા ચાલુ છે તેમજ એમ એન્ડ જે ઇન્સ્ટિટયૂટ ઓફ ઓપ્થાલ્મોલોજી, અમદાવાદની ૪૩૧ મંજૂર જગ્યા સામે ૩૭૬ જગ્યાઓ ભરાયેલ છે. ૫૫ ખાલી જગ્યાઓ માટે પ્રક્રિયા ચાલુ છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત જાહેર સેવા આયોગ, ગૌણ સેવા પસંદગી મંડળને ખાલી જગ્યા ભરવા માંગણી પત્રક આપવામાં આવેલ છે સાથો સાથ વોક ઈન ઇન્ટરવ્યૂ 11 માસના કરાર આધારિત પ્રક્રિયાથી પણ જગ્યાઓ ભરવામાં આવે છે. જગ્યાઓ ખાલી રહેવા અંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, નિવૃત્તિ તેમજ લાયક ઉમેદવારો ન મળવાને કારણે જગ્યાઓ ખાલી રહેવા પામે છે.