પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કોવિડ – ૧૯ અને ઈન્ફલ્યુએન્ઝા સામે જાહેર આરોગ્ય પ્રતિસાદની સ્થિતિ અને સજ્જતાની સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠક દેશમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસોમાં વધારો અને છેલ્લા ૨ અઠવાડિયામાં કોવિડ – ૧૯ના કેસમાં થયેલા વધારાની પૃષ્ઠભૂમિમાં કરવામાં આવી છે. બેઠકમાં પ્રધાનમંત્રીને ભારતમાં વધી રહેલા કેસ સહિત વૈશ્વિક કોવિડ – ૧૯ પરિસ્થિતિને આવરી લેતી વ્યાપક રજૂઆત કરવામાં આવી હતી. તો પ્રધાનમંત્રીએ સાવચેતી અને જાગ્રતતા જાળવવાની સલાહ આપી છે. તો સાથે પ્રધાનમંત્રીએ તમામ ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બીમારી (SARI) કેસોની લેબ સર્વેલન્સ અને પરીક્ષણને વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને જીનોમ સિક્વન્સિંગને આગળ વધારવાનો નિર્દેશ આપ્યો હતો.
ગુજરાતમાં ગઈ કાલે કોરોનાના ૨૪૭ કેસ નોંધાયા છે. જ્યારે બીજી તરફ ૯૮ દર્દીઓએ કોરોનાને માત આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસોથી કોરોના દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલ ૧૦૬૪ એક્ટીવ કેસ છે. જેમાંથી ૬ દર્દીઓ વેન્ટીલેટર પર અને ૧૦૫૮ દર્દી સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૧૧૦૪૯ દર્દીઓના મૃત્યુ થયા છે. ગઈ કાલે ગુજરાતમાં ૫૫૦ લોકોનું રશીકરણ કરવામાં આવ્યું.