મહાઠગ કિરણ પટેલના પત્ની માલિની પટેલની ધરપકડ

ગુજરાત સરકારના પૂર્વ મંત્રીના ભાઈની ફરિયાદ પર મહાઠગ કિરણ પટેલના પત્ની માલિની પટેલની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે નડિયાદથી માલિની પટેલની ધરપકડ કરી છે. મહત્વનું છે કે, અગાઉ માલિની પટેલે આગોતરા જામીન માટે અરજી કરી હતી.

કાશ્મીરમાંથી પકડાયા બાદ મહાઠગ કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં પ્રથમ ફરિયાદ નોંધાઈ હતી. ઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધતા જ ઠગ કિરણની પત્ની માલિની ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી. ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાએ ફરિયાદ નોંધાવતા માલિની ફરાર થઈ ગઈ હતી.  ધરપકડથી બચવા કિરણ પટેલની પત્ની માલીની પટેલે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.

કિરણ પટેલ અત્યાર સુધીમાં ઘણાં લોકોને ચૂનો ચોપડી ચૂક્યો છે. તેની વિરુદ્ધ વડોદરામાં પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. કિરણ પટેલે વડોદરામાં ૨૦૧૮ માં ગરબા મહોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં તેણે અમદાવાદના ડેકોરેશનના ધંધાર્થીઓને ચૂનો ચોપડ્યો હતો. કિરણ પટેલે જૈન ડેકોરેટર્સ એન્ડ કેટરર્સ સાથે ૧ કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી. જેથી કિરણ પટેલ વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *