ખેડૂતો પરથી હજુ માવઠાનું સંકટ નથી હટ્યું. આજથી ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર માર્ચ મહિનાના અંતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી એટલે કે તારીખ ૨૯ માર્ચથી ૩૧ મી માર્ચ દરમિયાન ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્યથી હળવો કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ૨૯ માર્ચથી ૩૧ માર્ચ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે.આ દરમિયાન સ્થાનિક હવામાન વિભાગની આગાહી જણાવે છે કે, આજે એટલે કે ૨૯ માર્ચે રાજ્યના દ્વારકા, જામનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી અને રાજકોટમાં વરસાદ પડી શકે છે.
૩૦ માર્ચે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી છે. ૩૧ માર્ચે ભરૂચ, સુરત, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતાઓ છે. આ માવઠાની આગાહીને કારણે જગતનો તાત પરેશાન થયો છે. તેમના આખા વર્ષની મહેનત પર જાણે પાણી ફરી વળ્યું હોય તેમ લાગી રહ્યું છે.
હવામાન વિભાગ મુજબ હજુ પણ રાજ્યમાં માવઠાની આગાહી છે, જો ફરીથી વરસાદ આવે તો હવે વધી રહેલા પાકને પણ નુકસાન થાય તેવો ખેડૂતોને અંદાજ છે. સરકારના મંત્રીએ ખેડૂતોના નુકસાન અંગે સર્વેની પ્રક્રિયાની વિચારણા અંગે જણાવ્યું છે. સવાલ એ છે કે માવઠાથી નુકસાનીનો સરવે કેવી રીતે થશે? માવઠાથી થયેલા નુકસાનમાં સહાયના માપદંડ શું? રવી પાકને જે નુકસાન થયું તેનું વળતર કઈ રીતે નક્કી થશે? નુકસાનીની ભરપાઈ કરવા ખેડૂત પાસે કોઈ વિકલ્પ છે?