ખાલિસ્તાની સમર્થક અને પંજાબમાં ભાગેડુ જાહેર કરાયેલ અમૃતપાલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પંજાબ પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ આશંકા વ્યક્ત કરી છે કે, ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સુવર્ણ મંદિરમાં મીડિયા સમક્ષ આત્મસમર્પણ કરવાની પ્રક્રિયામાં છે. પંજાબ પોલીસને આશંકા છે કે, અમૃતપાલ દરબાર સાહિબમાં પ્રવેશવાનો અને શ્રી અકાલ તખ્ત સાહિબ જવાનો પ્રયાસ કરી શકે છે, અને પછી મીડિયાની હાજરીમાં ત્યાં જાહેરમાં આત્મસમર્પણ કરવાનો ઇરાદો ધરાવે છે.
પંજાબ પોલીસે આ ઇનપુટને ધ્યાનમાં રાખીને સુવર્ણ મંદિર સંકુલની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. પંજાબ પોલીસ ઉપરાંત તપાસ એજન્સીઓ પણ હાઈ એલર્ટ પર છે. અમૃતપાલની શોધમાં ગત રાતથી પંજાબના ઘણા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મહત્વનું છે કે, ઈન્ટેલિજન્સ ઈનપુટ મળ્યા હતા કે, અમૃતપાલ તેના સાથીઓ સાથે હોશિયારપુરના એક ગામમાં છુપાયો છે. માહિતી મળતાં જ પોલીસે વિસ્તારમાં ડોર ટુ ડોર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
ઇનપુટના આધારે પોલીસે મંગળવારે મોડી રાત્રે મરનિયા ગામમાં અમૃતપાલની શોધ શરૂ કરી અને તેની કાઉન્ટર ઇન્ટેલિજન્સ શાખાએ ફગવાડા સુધી કારનો પીછો કર્યો પરંતુ બાદમાં તે કાર છોડીને ભાગી ગયો. પોલીસે આખા વિસ્તારને કોર્ડન કરી લીધો હતો જ્યાંથી અમૃતપાલ કાર છોડીને ભાગી ગયો હતો અને આ વિસ્તારમાં ડોર ટુ ડોર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સાથે સાથે નજીકના વિસ્તારોમાં તમામ એજન્સીઓને હાઈ એલર્ટ પર મૂકી હતી.