મહારાષ્ટ્રમાં રામ-મંદિરની બહાર ભયંકર હિંસા

મહારાષ્ટ્રમાં સંભાજીનગરમાં બે સમુદાયો વચ્ચે હિંસાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, કિરાડપુરા સ્થિત રામ મંદિરની બહાર રાત્રિના ૧૨:૩૦ કલાકે બે યુવકો વચ્ચે નાની માથાકૂટ થઈ હતી. જે બાદમાં કેટલાક લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આ પછી પથ્થરમારો શરૂ થયો અને બદમાશોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. ઘટનાને લઈ સ્થળ પર પહોંચેલી પોલીસે સ્થિતિ થાળે પાળવાનો પ્રયાસ કરતાં બદમાશોએ પોલીસના વાહનોને પણ આગ ચાંપી દીધી હતી.

મહારાષ્ટ્રમાં સંભાજીનગરના કિરાડપુરામાં બે સમુદાયો વચ્ચે જુથ અથડામણની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. મોડી રાત્રે બનેલી ઘટના પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી છે અને સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે કિરાડપુરા વિસ્તારમાં ટીયર ગેસના શેલ પણ છોડ્યા છે. વાહનોમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ મામલો રાત્રે સાડા બાર વાગ્યાનો છે. કહેવામાં આવી રહ્યું છે કે, સંભાજીનગરમાં મંદિરની બહાર હિંસા શરૂ થઈ હતી. આ જોઈને બંને પક્ષના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા અને એકબીજા પર હુમલો કરવા લાગ્યા. કારોને સળગાવી દેવાઈ હતી. આ દરમિયાન પથ્થરમારો થયો હતો અને બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. વિસ્તારમાં હજુ પણ તણાવ છે. સ્થિતિને જોતા મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

હિંસાની ઘટના બાદ કેટલાક મુસ્લિમ ધર્મગુરુઓ આગચંપી સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. આ દરમિયાન સ્થાનિક સાંસદ ઈમ્તિયાઝ જલીલ પોતે કિરાડપુરા રામ મંદિર પહોંચ્યા અને કહ્યું કે, રામ મંદિરમાં કોઈ મામલો બન્યો નથી. જે પણ ઘટના બની છે તે રામ મંદિરની બહાર જ બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *