ઈન્દોર: મંદિરમાં છત ધરાશાયી થતા ૧૨ લોકોના મોત થયા, ૧૫ થી વધુ લોકોનું કરાયું રેસ્કયુ

મધ્યપ્રદેશના ઈન્દોરમાં રામનવમીના અવસર પર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરની કૂવાની છત ધરાશાયી થતાં ૩૦ થી વધુ લોકો કૂવામાં પડી ગયા હતા. આ દુર્ઘટનામાં ૧૨ લોકોના મોત થયા છે. ઘટના સ્થળ પર હાજર લોકો કૂવામાં પડેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 15થી વધુ લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે.

અધિકારીના જણાવ્યા અનુસાર પટેલ નગરના મંદિરમાં થયેલી દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યુ છે. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન મંદિરમાં પ્રાચીન છત પર ભક્તોની મોટી ભીડ એકઠી થઈ હતી અને છત વધુ લોકોનો બોજ સહન ન કરી શકતા તે તૂટી પડી હતી. ઈન્દોરના સાંસદ શંકર લાલવાણીએ જણાવ્યું હતું કે, અમારી પ્રાથમિકતા કુવામાં પડેલા લોકોને વહેલી તકે બહાર કાઢવાની છે. રેસ્ક્યુ ટીમ, પોલીસ અને સ્થાનિક લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. જેમને બહાર કાઢવામાં આવ્યા છે તેઓને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, લોકોને દોરડા લગાવીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. રેસ્ક્યુ ટીમ કૂવામાંથી લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટનાની નોંધ લીધી છે. તેમણે ઈન્દોરના કલેક્ટર અને કમિશનર સાથે ફોન પર વાત કરીને બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી છે. ઈન્દોરમાં સર્જાયેલી આ દુર્ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *