ગુજરાત રાજ્યમાં એક પછી એક માવઠાની આગાહીની ઉપાધિ જોવા મળી રહી છે. ઉનાળાના પ્રારંભની સાથે જ માવઠાએ મોકાણ સર્જતા ઠેર-ઠેર અનેક વિસ્તારોના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો હતો. તેવામાં રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. હવામાન વિભાગે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
ગુજરાત રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર,
હવામાન વિભાગ દ્વારા ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. ૪ અને ૫ એપ્રિલે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, તેમજ ૪ એપ્રિલે કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી અને ૫ એપ્રિલે બનાસકાંઠા અને સાબરકાંઠામાં આગાહી કરવામાં આવી છે.
આગામી ૩ દિવસ બાદ ગરમીમાં વધારો થશે અને મોટાભાગના શહેરોમાં તાપમાન ૩૫ ડિગ્રીથી વધુ નોંધાશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. હજુ પણ ૨ થી ૪ ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે. આગાહીને ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે, ભર ઉનાળે ચોમાસોનો માહોલ ફરી એકવાર જોવા મળશે.
રાજ્યના કેટલાક જિલ્લાઓના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો જેના કારણે ખેતીમાં ભારે નુકસાન જોવા મળી રહ્યો છે. આમ ભરઉનાળે વરસાદ ખાબકતા ઘઉં સહિતના પાકનો શોથ વળી ગયો હતો. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની અસર માંડ પૂરી થઈ જેની કળ હજુ વળી નથી ત્યાં ફરી વધુ એક વખત રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો મુંજાયા છે.