કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ ૧૦ મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા છે. ગયા વર્ષે ૧૯ મેના રોજ સુપ્રીમ કોર્ટે રોડ રેજ કેસમાં તેને એક વર્ષની સજા સંભળાવી હતી.
કોંગ્રેસ નેતા સિદ્ધુએ પટિયાલા જેલમાંથી બહાર આવતાની સાથે જ મીડિયા સાથે વાત કરી હતી. સિદ્ધુની મુક્તિ પહેલા જ કોંગ્રેસના ઘણા કાર્યકરો પટિયાલા જેલની બહાર પહોંચી ગયા હતા. પટિયાલા જેલની બહાર ઢોલ-નગારાં વગાડીને સિદ્ધુનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે ૧૯૮૮ ના રોડ રેજ કેસમાં સિદ્ધુને એક વર્ષની સજા સંભળાવી હતી. તે છેલ્લા ૧૦ મહિનાથી જેલમાં હતો. તેને આજે મુક્ત કરવામાં આવ્યો હતો.
જેલમાંથી બહાર આવતાની સાથે જ કોંગ્રેસ નેતા સિદ્ધુએ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, દેશમાં લોકશાહી બાકી રહી જ નથી. પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાના કાવતરામાં લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. સિદ્ધુએ સરકારને પડકાર ફેંક્યો કે જો તમે પંજાબને નબળું પાડવાની કોશિશ કરશો તો તમે પોતે જ નબળા થઈ જશો.