માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને ૨ વર્ષની સજા ફટકારવામાં આવી છે. સુરતની સેશન્સ કોર્ટમાં સજા સામે અપીલ દાખલ કરવામાં આવી છે. સજા રદ કરવા માટે સેશન્સ કોર્ટમાં અપીલ કરાઈ છે. અપીલના કેસની અરજી પર સુનાવણી ૩ મેના રોજ થશે. તો બીજી બાજુ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સેશન્સ કોર્ટ તરફથી જામીન મળ્યા છે. રાહુલ ગાંધીને ૧૩ એપ્રિલ સુધી સેશન્સ કોર્ટે જામીન આપ્યા છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ‘મોદી અટક’ સંબંધિત કેસમાં ગુરુવારે ( ૨૩/૦૩/૨૦૨૩ ) સુરતની સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ વર્માની કોર્ટે તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. સેશન્સ કોર્ટના આ ચુકાદાને રાહુલ ગાંધીએ ઉપલી કોર્ટમાં પડકાર્યો છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી આજે સુરત આવ્યા છે. આ ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ઉપરાંત કાયદાકીય ટીમ પણ સુરત આવી છે.
સમગ્ર મામલો વર્ષ ૨૦૧૯ નો છે. રાહુલ ગાંધીએ દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના કોલારમાં સામાન્ય ચૂંટણી પ્રચાર દરમિયાન ‘મોદી અટક’ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “બધા ચોરની અટક ( સરનેમ ) મોદી જ કેમ હોય છે ?” વાસ્તવમાં, રાહુલ ગાંધીએ ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ‘ચોકીદાર જ ચોર છે’નો નારો આપ્યો હતો. કોંગ્રેસે ત્યારે આની આ પંચ લાઈનને ઘણી હવા આપી હતી અને વિવિધ જગ્યાએ રેલીઓમાં કોંગ્રેસ દ્વારા તેનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. કોલારમાં ‘મોદી અટક’ સાથે સંબંધિત નિવેદનમાં તેમનું નિશાન ભારતીય ઉદ્યોગ પતિ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ ( IPL )ના પ્રથમ કમિશનર લલિત મોદી, પંજાબ નેશનલ બેંક ( PNB ) કૌભાંડમાં ફસાયેલા ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને પીએમ મોદીની તરફ હતું.
સજા સંભળાવ્યાનાં ૨૪ કલાકમાં જ રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્ય રદ થયું હતું. લોકસભા સચિવાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરીને રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ્દ કરી નાંખી હતી. ગુરુવારે ૨૩/૦૩/૨૦૨૩ ના રોજ સુરતની કોર્ટ દ્વારા મોદી સરનેમ પર આપેલા વિવાદિત નિવેદન પર માનહાનિ કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ સાથે જ ૧૫,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ૨ વર્ષની જેલની સજાના કારણે જ નિયમ અનુસાર રાહુલ ગાંધીની સદસ્યતા ગઈ હતી.
શું કહે છે જનપ્રતિનિધિત્વ કાયદો?
– વર્ષ ૧૯૫૧ માં જનપ્રતિનિધિત્વ કાયદો આવ્યો હતો અને આ કાયદાની કલમ ૮ માં લખવામાં આવ્યું છે કે જો કોઈ સાંસદ અથવા ધારાસભ્ય ગુનાહિત કેસમાં દોષિત ઠેરવવામાં આવે છે તો તે દિવસથી આવનાર ૬ વર્ષ સુધી એ સભ્ય ચૂંટણી લડી શકશે નહીં.
– નોંધનીય છે કે કલમ ૮ (૧) માં એવા અપરાધોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના હેઠળ દોષિત ઠેરવવામાં આવતા ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. આ કાયદા હેઠળ બે સમુદાયો વચ્ચે નફરત ફેલાવવા, ભ્રષ્ટાચાર, બળાત્કાર જેવા ગુનાઓમાં દોષિત ઠરેલા લોકો ચૂંટણી લડી શકશે નહીં. જો કે આ કાયદામાં માનહાનિની કોઈ ઉલ્લેખ નથી.
– ગયા વર્ષે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને આ કાયદા હેઠળ અપ્રિય ભાષણના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ વિધાનસભાની ગુમાવી હતી.
– આ કાયદાની કલમ ૮ (૩) માં લખવામાં આવ્યું છે કે જો કોઈ સાંસદ અથવા ધારાસભ્યને બે વર્ષ કે તેથી વધુની સજા થાય છે તો તેની સદસ્યતા તરત જ જતી રહે છે અને આવનાર ૬ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવામાં છે.