નવા નાણાકીય વર્ષના પ્રથમ કારોબારાના દિવસે જ બજારમાં તેજી જોવા મળી હતી. આજે સતત ત્રીજા કારોબારના દિવસ દરમિયાન તેજી જોવા મળી હતી. સેન્સેક્સ પણ ઇન્ટ્રાડેમા ૫૯,૨૦૪ સુધી ગયો હતો. વિશ્વબજારમાં ચાલી રહેલા સખળડખલને પગલે ઇન્ડેક્સ ૫૮,૭૯૩ સુધી સરકી ગયો હતો. બીજી તરફ ૧૧૫ પોઇન્ટના ઉછાળા સાથે બીએસઇ સેન્સેક્સ ૫૯,૧૦૬ પોઇન્ટ પર બંધ રહ્યો હતો. તો ૩૮ પોઇન્ટના વધારા સાથે નિફટી પણ ૧૭,૩૯૮ ની સપાટીએ પહોંચી ગયો હતો. મહત્વનું છે કે આવતીકાલે મંગળવારના રોજ મહાવીર જયંતિ નિમિત્તે શેરબજાર બંધ રહેશે.
તેજીના માહોલ વચ્ચે આજે બજારમાં ઓટો સેક્ટરના શેર બમણી ગતિથી આગળ રહ્યા હતા. જેની પાછળનું કારણ એ છે કે માર્ચ મહિનામાં કાર સહિતના વાહનોના વેચાણમાં વધારો આવ્યો હતો. પરિણામે હિરો મોટો કૉર્પ, બજાજ ઓટો અને મારુતિના શેર મોખરે રહ્યા હતા. વધુમાં ગત શુક્રવારે પણ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી અને મોટા ભાગના શેર વધારા સાથે બંધ થયા હતા. શુક્રવારે સેન્સેક્સ ૧૦૩૧ પોઇન્ટ વધીને ૫૮,૯૯૧ પર અટક્યો હતો.તો નિફટી ૨૭૯ પોઇન્ટના વધારા સાથે ૧૭૩૫૯ પર બંધ રહ્યો હતો.
આજે હીરો મોટોમાં ૩.૬૦ %, કોલ ઇન્ડિયામાં ત્રણ ટકા, બજાજ ઓટોમાં ૨.૮૦ % અને મારુતિ સુઝુકી ના શેરમાં ૨.૫૦ % ની તેજી જોવા મળી હતી. તો BPCL માં ૪.૨ %, અદાણી ઇસ્ટમાં ૨ % અને એપોલો હોસ્પમા ૧.૭૭ % તો ઇન્ફોસીસ માં ૧.૩૦ % નો ઘટાડો જોવા મળ્યો હતો.