આજે ચૈત્રી સુદ પૂર્ણિમા એટલે હનુમાન જયંતિ છે. હનુમાનજીના મંદિરોમાં હનુમાનજીના ભવ્યાતિભવ્ય જન્મોત્સવની ઉજવણી શરૂ થઈ ગઈ છે. બોટાદના સાળંગપુરમાં પણ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી શરૂ થઈ છે. કષ્ટભંજન દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. વહેલી સવારથી જ ‘પવનપુત્ર હનુમાન કી જય, જય શ્રી રામ’ ના નારાથી પરિસર ગુંજી ઉઠ્યું છે. આજે હનુમાન જયંતિ પ્રસંગે સાળંગપુર મંદિરે ૧૦ લાખથી વધુ ભક્તો દાદાના દર્શન કરશે. તેથી દર્શનાર્થીઓને મુશ્કેલી ન થાય એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત વાહન પાર્કિંગ માટે વિશાળ પાર્કિંગ એરિયા બનાવવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે સાળંગપુર આવી રહ્યા છે. આજે સાળંગપુરમાં ૫૫ કરોડના ખર્ચે તૈયાર થયેલું ભોજનાલયનું ઉદ્ધાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં હસ્તે કરવામાં આવનાર છે. બપોરે ૧૧ કલાકે કેક કેક કાપી દાદાના જન્મોત્સવની ઉજવણી કરાશે. હનુમાન જયંતિ પર સાળંગપુરમાં યજ્ઞ પણ યોજાવાના છે, જેમાં આશરે ૫૦૦ દંપતી ભાગ લેશે.
સાળંગપુરમાં ગુજરાતનું સૌથી મોટું હાઇટેક “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય” બનાવવામાં આવ્યું છે. ૫૫ કરોડના ખર્ચે “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય”નું નિમાર્ણ થયું છે. જેમાં ૪ હજાર ભક્તો એક સાથે બેસી જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે ૭ વીઘામાં ભોજનાલય પથરાયેલુ છે. તેમજ ૩ લાખ ૨૫ હજાર સ્ક્વેર ફુટમાં બિલ્ડીંગનુ બાંધકામ પણ કરવામાં આવ્યું છે. ૨૫૫ કોલમ પર ઊભું કરાયું “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય”.
ભોજનાલયમાં ૪૫૫૦ સ્ક્વેર ફૂટમાં વિશાળ કિચન બનાવાયું છે. જેમાં ૧ કલાકમાં ૨૦ હજારથી વઘુ લોકોની રસોઈ બની શકે છે. ગેસ-વીજળી અને લાઈટ વગર થર્મલ બેઝથી રસોઈ બનશે. ભોજનાલયમાં કુલ ૭ ડાયનિંગ હોલ છે. ૩૦,૦૬૦ સ્ક્વેર ફૂટમાં ફસ્ટ અને સેકન્ડ ફ્લોર પર ૨ મોટા ડાઈનિંગ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભોજનાલયમાં કુલ ૭૯ રૂમ બનાવ્યા છે. તેમજ ભોજનાલયમાં કુલ ૫ લિફ્ટ બનાવવામાં આવી છે. ઇન્ડિયન રોમન સ્ટાઇલનું ભોજનાલયનું એલિવેશન છે. તેમજ ભોજનાલયમાં કુલ ૧૭ લાખથી વધુ શ્રીરામ લખેલી ઇંટોનો ઉપયોગ થયો છે. ૩ મહિનામાં ગાંધીનગરના ભઠ્ઠામાં ઇંટો બનાવવામાં આવી છે. ૩,૩૫,૦૦૦ સ્ક્વેર ફૂટમાં વિશેષ ટાઈલ્સ લગાવવામાં આવી છે. ૨૫ તીર્થધામની માટીનો ઉપયોગ ભોજનાલય બનાવવામાં થયો. બાંધકામમાં ૨૨ લાખ ૭૫ હજાર ટનથી વધુ લોખંડનો ઉપયોગ કરાયો છે. ૧૮૦ કારીગરો દિવસના ૧૨ કલાક કામ કરતા હતા.
સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં ૫૪ ફૂટની વિરાટકાય ‘કિંગ ઓફ સાળંગપુર’ના નામથી ઓળખાતી હનુમાનજી દાદાની મૂર્તિનું અનાવરણ થઈ ગયું છે. ગઈકાલે આ પ્રસંગે લાખો ભક્તો પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ મૂર્તિ એટલી વિશાળ છે કે તેના 7 કિલોમીટર દૂરથી પણ દર્શન કરી શકાય છે. હનુમાનજીની પ્રતિમાનું વજન ૩૦ હજાર કિલો છે.