રાજ્યભરમાં હનુમાન જયંતિ નિમિત્તે મંદિરોમાં સુંદરકાંડના પાઠ, મારૂતિ યજ્ઞ, મહાઆરતીનું આયોજન કરાયું

હનુમાન જયંતિ નિમિત્તે રાજ્યભરમાં હનુમાનજી મંદિરોમાં સુંદરકાંડના પાઠ, મારૂતિ યજ્ઞ, મહાઆરતી સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. હનુમાન દાદાની મૂર્તિને તેલ, સિંદુર તથા આકળાની માળા ચઢાવી પૂજન અર્ચન કરવામાં આવે છે.

ભાવનગર ના તલગાજરડા ખાતે હનુમાન જન્મોત્સવની પૂર્વ સંઘ્યાએ કથાકાર મોરારીબાપુની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ૧૩ કલા ઉપાસકોને એવોર્ડ એનાયત કરવામાં આવશે તથા સુંદરકાંડના પાઠનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લાના સાંપા ગામે ઘેલવા હનુમાનજી મંદિરે સુંદરકાંડ, મહાઆરતી અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરમાં “શ્રી હનુમાન જન્મોત્સવ સમિતિ” દ્વારા સંતવાણી અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો સહિત અનેક અગ્રણીઓ તથા શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના કસક વિસ્તારમાં આવેલા રોકડિયા હનુમાન મંદિરમાં મહાઆરતી, અન્નકૂટ, ભંડારાના કાર્યક્રમો યોજાયા છે.

ડાંગ જીલ્લામાં આહવા, પટેલપાડા, મારુતિ હનુમાન મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ધોધલી, અટાળાધામ તેમજ હનુમાનજીના જન્મસ્થળ અંજનકુંડ સહિત મકરધ્વજ હનુમાન મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કર્યા હતા. અમદાવાદના કેમ્પના હનુમાન મંદિર તથા જીલ્લાના નાનામોટા તમામ મંદિરોમાં વિશેષ પૂજા તથા સુંદરકાંડના પાઠ અને વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી ના ખોખરા હનુમાન ધામ ખાતે હનુમાન જયંતીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી છે. ત્યાં સૌથી મોટી 108 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી, તેમજ હનુમાનજીની મૂર્તિને સાત અબજ રામના નામ લખીને અર્પણ કરાયા હતા. આ નિમિત્તે હોમહવન, મહાપ્રસાદ, ધૂન ભજન, રામ નામના જાપ, સંતવાણી અને રામચરિત માનસ સહિતના કાર્યક્રમનું આયોજન થયું હતું. ત્રણ દિવસ સુધી ચાલનારા વિવિધ કાર્યક્રમોનો લોકો શ્રદ્ધાભેર લાભ લઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *