ભારતમાં વધુ એક વાર ભૂકંપ આવ્યો છે. બિહારના અરરિયા જિલ્લામાં બુધવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સવારે લગભગ ૦૫:૩૫ વાગ્યે આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૩ માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ કરી નથી.
ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનની સપાટીથી લગભગ ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. આંદામાન-નિકોબાર ટાપુઓમાં ગયા રવિવાર અને સોમવારની વચ્ચેની રાત્રે ૦૨:૨૬ વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૬ હતી.
સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર તેનું કેન્દ્ર કેમ્પબેલ ખાડીથી ૨૨૦ કિમી ઉત્તરમાં જમીનની સપાટીથી લગભગ ૩૨ કિમીની ઊંડાઈએ હતું. આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. છેલ્લા ૨૪ કલાકમાં આંદામાન-નિકોબાર ટાપુઓમાં ભૂકંપનો આ ત્રીજો આંચકો અનુભવાયો છે.
પશ્ચિમ નેપાળમાં મંગળવારે ૪.૧ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં જાનમાલના નુકસાનની તાત્કાલિક કોઈ માહિતી નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્ર કાઠમંડુથી ૧૪૦ કિમી પશ્ચિમમાં ગોરખા જિલ્લાના બાલુવા ક્ષેત્રમાં હતું. ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સાંજે ૦૬:૫૦ કલાકે આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૪.૧ની તીવ્રતાનો ભૂકંપ પડોશી લામજુંગ અને તાન્હુ જિલ્લામાં પણ અનુભવાયો હતો. જો કે ભૂકંપના કારણે કોઈ નુકસાન કે જાનહાનિ અંગે હાલમાં કોઈ માહિતી નથી.