રાહુલ ગાંધીને માનહાની કેસમાં સજા મામલે આજે સુરત કોર્ટ ચુકાદો આપી શકે છે. સુરતની સેશન્સ કોર્ટ આજે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ‘મોદી સરનેમ’ ટિપ્પણી બદલ તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા પર સ્ટે મૂકવાની અરજી પર પોતાનો ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે. આ કેસમાં સુરતની કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે.
સુરત સેશન્સ કોર્ટ બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધીમાં ચુકાદો સંભળાવી શકે છે. આ કેસમાં કોર્ટે કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા સંભળાવી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય અને ફરિયાદી પૂર્ણેશ મોદીએ આ જ કોર્ટમાં અગાઉ દાખલ કરેલા તેમના જવાબમાં રાહુલ ગાંધીની અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે કોંગ્રેસ નેતા “પુનરાવર્તિત અપરાધી” છે અને તેના પર અપમાનજનક નિવેદનો કરવાનો આરોપ છે.
રાહુલની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત થઈ શકે
કાયદાકીય નિષ્ણાતોના મતે જો કોર્ટ રાહુલ ગાંધીની તરફેણમાં ચુકાદો આપે છે તો તેમની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત થઈ શકે છે. દોષિત ઠરાવ રદ કરવા માટે રાહુલ ગાંધી વતી અપીલ કરવામાં આવી છે. જો કોર્ટ અપીલને મંજૂર કરે છે તો રાહુલ ગાંધીને આમાંથી રાહત મળી શકે છે.
શું કહ્યું હતું પૂર્ણેશ મોદીએ ?
આ મામલામાં સુનાવણી દરમિયાન પૂર્ણેશ મોદી તરફથી કહેવામાં આવ્યું હતું કે, રાહુલ ગાંધી વિરુદ્ધ ૧૦ થી વધુ અપરાધિક માનહાનિના કેસ ચાલી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પણ તેમને ફટકાર લગાવી છે. મોદીના વકીલ હર્ષ ટોલિયાએ કહ્યું કે, કોર્ટ દ્વારા દોષિત જાહેર થયા બાદ પણ રાહુલ ગાંધી કહી રહ્યા છે કે તેમણે કોઈ ભૂલ કરી નથી.
૨ વર્ષની થઈ છે સજા
સુરતમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતે આ વર્ષે ૨૩ માર્ચે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને ૧૩ એપ્રિલ, ૨૦૧૯ ના રોજ ચૂંટણી રેલીમાં તેમની “મોદી અટક” ટિપ્પણી બદલ તેમની સામે નોંધાયેલા ફોજદારી માનહાનિના કેસમાં તેમને ૨ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ પછી રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા પણ જતી રહી.