મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ૭૧૩૮ સ્ક્વેર મીટરમાં રૂ. ૧૩૬ કરોડના ખર્ચે નિર્માણ થનાર અદ્યતન કોર્ટ ભવનનો શિલાન્યાસ કર્યો.આ નવી ડીસ્ટ્રીક્ટ કોર્ટનું ભવન બે બેઝમેન્ટ પાર્કિંગ અને ૭ માળ સહિતની અધ્યતન સુવિધા સાથે રૂપિયા ૧૩૬ કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ થવાનું છે.ભૂપેન્દ્ર પટેલે આ ભવનના શિલાન્યાસ સાથે અમદાવાદમાં લો ગાર્ડન, ધૂલિયા કોટ ખાતે ન્યાયિક રહેણાંક મકાનોનું પણ વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું હતું. કાયદામંત્રી ઋષિકેશ પટેલ, સુપ્રિમ કોર્ટના જજ એમ. આર. શાહ, બેલાબહેન ત્રિવેદી, ગુજરાત હાઈકોર્ટના એક્ટીંગ ચીફ જસ્ટીસ એ. જે. દેસાઈ, એડવોકેટ જનરલ કલમભાઈ ત્રિવેદી સહિત જિલ્લા કોર્ટના ન્યાયાધિશઓ કાયદાવિદો અને અગ્રણી વકીલોએ હાજરી આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ વર્ષે રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું રૂપિયા ૩ લાખ કરોડનું બજેટ સરકારે આપ્યું છે અને તેમાં ઈન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો વિકાસ પંચસ્થંભમાં સમાવેશ કર્યો છે. કાયદા વિભાગને વધુ સુવિધાસભર બનાવવા રૂપિયા ૨૦૧૪ કરોડની જોગવાઈ ન્યાયતંત્રની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને સરકારે કરી છે, લોકશાહીનો સ્થંભ એવી ન્યાયપાલિકા વધુ મજબૂત થાય તે માટે સરકારનો પ્રયાસ છે. સરકાર જ્યુડિશિયરી સાથે ખભેખભો મિલાવી આગળ વધે અને ન્યાયતંત્ર પર રહેલા લોકોના વિશ્વાસને ટકાવી રાખવામાં સહભાગી બને તે અમારા માટે આનંદની વાત છે.