પંજાબ પોલીસ અને ઇન્ટેલિજન્સ વિંગના સંયુકત ઓપરેશનમાં ખાલિસ્તાન તરફી અને વારિસ પંજાબ દે ના વડા અમૃતપાલ સિંહની આજે સવારે પંજાબના મોગા જિલ્લાના રોડે ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે. વધુ વિગતો આપતા પોલીસ મહાનિરીક્ષક સુખચૈન સિંઘે જણાવ્યું હતું કે તેમની સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ વોરંટ પાઠવવામાં આવ્યું છે. ધરપકડ બાદ અમૃતપાલ સિંહને ભટિંડા એરફોર્સ સ્ટેશને લઇ જવામાં આવ્યા જયાંથી તેને આસામના દિબ્રુગઢ લઇ જવામાં આવશે.
આશરે એક મહિના પહેલાં પંજાબ પોલીસે અમૃતપાલ સિંહ સામે લુક આઉટ નોટીસ અને બિન જામીનપાત્ર વોરંટ પાઠવ્યું હતું. પંજાબ પોલીસે તેના અને તેના નજીકના સાથીઓની ધરપકડ કરવા માટે શોધખોળ શરૂ કરી હતી, ત્યારથી તે ફરાર હતો. આ ઓપરેશન દરમ્યાન તેના ઘણા નજીકના સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી.