ગાંધીનગરના ચારેય તાલુકામાં લોકના પ્રશ્નોના હકારાત્મક ઉકેલનું માધ્યમ બન્યો સ્વાગત કાર્યક્રમ

સ્થાનિક કક્ષાએ જયારે લોક પ્રશ્નની રજૂઆત થાય તે જ સમયે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો નાગરિકોને રજૂઆત કરવા માટે જિલ્લા કક્ષા સુધી ન આવવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું છે, તેવું આજરોજ ગાંઘીનગર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કલેકટર હિતેષ કોયાએ જણાવ્યું હતું. ગાંધીનગર ખાતે યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કલેકટર હિતેષ કોયાએ જણાવ્યું હતું કે, રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સરળ, ઝડપી અને સંવેદનશીલ ભાવ રાખીને લોક પ્રશ્નોના ઉકેલ લાવવા માટે રાજયભરમાં સ્વાગત કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. સ્વાગત કાર્યક્રમ થકી જિલ્લામાં અનેક લોક પ્રશ્નોને વાચા મળી છે. સ્થાનિક કક્ષાએ જ લોક પ્રશ્નોનું સત્વરે સચોટ નિરાકરણ થાય તેવા સંવેદનશીલ અને લોકાભિમુખ વહીવટ કરવાનો અનુરોધ સર્વે કર્મયોગીઓને તેમણે કર્યો હતો.

ગાંધીનગર જિલ્લામાં આજે ચારેય તાલુકામાં સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર કલેકટર કચેરી ખાતે યોજાયેલ ગાંધીનગર તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગાંધીનગર તાલુકા સ્વાગત કાર્યક્રમાં કુલ- ૧૭૩ લોક પ્રશ્નનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ૧૩૯ પ્રશ્નનો હકારાત્મક નિકાલ થયો છે. ૧૮ પ્રશ્ન વઘુ કાર્યવાહી માટે પેન્ડિંગ રાખવામાં આવ્યા છે. તેમજ બે નકારાત્મક પ્રશ્નો હતા. ૧૪ લોક પ્રશ્નનો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. માણસા તાલુકામાં સ્વાગત કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક  તરૂણ દુગ્ગલની ઉપસ્થિતિમાં માણસા નગરપાલિકા ખાતે યોજાયો હતો. માણસા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કુલ- ૧૩૧ લોક પ્રશ્નોને વાચા આપવામાં આવી હતી. જેમાંથી ૧૦૩ લોક પ્રશ્નનો હકારાત્મક, ૨૬ પ્રશ્ન પેન્ડિંગ અને એક પ્રશ્ન જિલ્લા સ્વાગતમાં લઇ જવામાં આવ્યો હતો. એક પ્રશ્ન નકારાત્મક હતો.

કલોલ તાલુકામાં સ્વાગત કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ- ૧૩૨ લોક પ્રશ્નનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ૯ લોક પ્રશ્ન પડતર રાખવામાં આવ્યા હતા. બાકીના પ્રશ્નનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. દહેગામ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  બી.કે. પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. દહેગામ તાલુકા સ્વાગત કાર્યક્રમાં કુલ – ૧૩૬ લોક પ્રશ્નનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ૧૦૯ પ્રશ્નનો હકારાત્મક નિકાલ થયો છે. ૨૭ પ્રશ્ન પેન્ડિંગ રાખવામાં આવ્યા છે. એક લોક પ્રશ્નનો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકામાં લોક પ્રશ્નોમાં હકારાત્મક ઉકેલનું માધ્યમ બનેલા સ્વાગત કાર્યક્રમને નાગરિકોએ ઉમંગભેર વઘાવ્યો હતો. ચારેય તાલુકામાં સ્વાગત કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા કલેકટર  હિતેષ કોયાના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેકટર ભરત જોષી, ચારેય તાલુકાના પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ અને સ્થાનિક તાલુકા કક્ષાના કર્મયોગીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *