મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ૩ મહાનગરો અને ૧ નગરમાં ૫૯.૩૦ કરોડના વિકાસ કામોને મંજૂરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૪ શહેરી વિસ્તારોના આઉટગ્રોથ વિસ્તારોમાં પાણી પૂરવઠા, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, રસ્તાઓ જેવા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટના કામો માટે ૫૯.૩૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ શહેરી સત્તામંડળોમાં પાયાની સુવિધાઓ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આવી રકમ ફાળવવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ હેતુસર શહેરી વિકાસ વિભાગે જામનગર, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકા તેમજ અમરેલી નગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામોની દરખાસ્ત રજૂ કરી હતી. તદ્દઅનુસાર, વડોદરા મહાનગરપાલિકામાં આઉટગ્રોથ વિસ્તારના પાણી પૂરવઠા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ અને રોડ-રસ્તાના ૧૬ કામો માટે ૩૭.૦૭ કરોડના કામો માટે મુખ્યમંત્રીશ્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ ઉપરાંત, ભાવનગર મહાનગરપાલિકામાં આવા આઉટગ્રોથ વિસ્તારના પેવર રોડ, આર.સી.સી. રોડ, મેટલ ગ્રાઉન્ડીંગ સહિતના ૧૧.૬૭ કરોડના ૩૭ કામો, જામનગર મહાનગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તારમાં રોડ મેટલીંગ અને આસ્ફાલ્ટ કાર્પેટ માટે ૨.૩ કરોડ રૂપિયાના કામોને મુખ્યમંત્રીશ્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

તેમણે અમરેલી નગરપાલિકાના આવા આઉટગ્રોથ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, સી.સી.રોડ વગેરેના ૨૦ કામો માટે ૮.૨૬ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વિકસીત ગુજરાતના સંકલ્પ સાથે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્ષ સુધારવાના હેતુથી આ વર્ષના બજેટમાં શહેરી ક્ષેત્રોની માળખાકીય સગવડો માટે ૩૭ % નો માતબર વધારો સૂચવવામાં આવ્યો છે. એટલું જ નહિ, નગરો-મહાનગરોમાં આવી પાયાની માળખાકીય સુવિધાઓ માટેની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૮૦૮૬ કરોડની જોગવાઇ સાથે ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *