માનહાની કેસમાં સુરત કોર્ટના બે વર્ષના સજાના ચુકાદા સામે રાહુલ ગાંધીએ આજે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરનેમ કેસમાં થયેલી બે વર્ષની સજા પર સ્ટે માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે. રાહુલે ૨૫ એપ્રિલ (મંગળવારે) સુરત સેશન્સ કોર્ટના સજા યથાવત રાખતાં ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે.
રાહુલની અરજી પર ગુરુવારે સુનાવણીની સંભાવના
રાહુલની અરજી પર ગુરુવારે સુનાવણી થવાની સંભાવના છે. ૨૦ એપ્રિલે સુરત કોર્ટે રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવાની અરજીને ફગાવી દીધી હતી.
૨૦ એપ્રિલે સુરત સેશન્સ કોર્ટે રાહુલની સજા યથાવત રાખી હતી
૨૩ માર્ચના રોજ, સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતે એક ચૂંટણી રેલીમાં મોદી અટક પર ટિપ્પણી કરવા બદલ ગાંધીને તેમની સામે દાખલ કરવામાં આવેલા ગુનાહિત માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જે બાદ તેમને લોકસભાના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. બાદમાં આ કેસમાં રાહુલ ગાંધીને જામીન મળી ગયા હતા. ત્યારબાદ તેણે ૩ એપ્રિલે સુરત સેશન્સ કોર્ટનો સંપર્ક સાધ્યો હતો અને તેના સજાના આદેશને પડકાર્યો હતો. રાહુલ ગાંધીને જામીન મળી ગયા હતા, પરંતુ તેમની સજા પર સ્ટે માટેની તેમની અરજી ૨૦ એપ્રિલે નામંજૂર કરવામાં આવી હતી.