પીએમ મોદી તો ઝેરી સાપ જેવા છે તેવા પોતાના વિવાદાસ્પદ નિવેદન પર કોંગ્રેસ અધ્યક્ષ સ્પસ્ટતા કરી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ‘ઝેરી સાપ’ના નિવેદન પર સ્પષ્ટતા કરી છે. તેમણે ગુરુવારે કલબુર્ગીમાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે, “વડા પ્રધાન મોદી એક ઝેરી સાપ જેવા છે, તમે વિચારશો કે તે ઝેર છે કે નહીં, જો તમે તેનો સ્વાદ ચાખશો, તો તમે મરી જશો. ખડગેએ હવે તેમના આ નિવેદન પર સ્પસ્ટતાં કરી છે.
પોતાના બચાવમાં શું બોલ્યાં
ખડગેએ કહ્યું કે મેં પીએમ મોદી પર કોઈ વ્યક્તિગત ટીપ્પણી કરી નથી. મેં તો ભાજપની વિચારધારાને ઝેરી સાપ સાથે સરખાવી હતી.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે આ નિવેદન પીએમ મોદી માટે નથી, મારો કહેવાનો મતલબ એ હતો કે ભાજપની વિચારધારા ‘સાપ જેવી’ છે. મેં ક્યારેય પીએમ મોદી માટે વ્યક્તિગત રીતે આ વાત નથી કહી, મેં કહ્યું કે તેમની વિચારધારા સાપ જેવી છે અને જો તમે તેને સ્પર્શવાનો પ્રયાસ કરો છો, તો તમારું મૃત્યુ નિશ્ચિત છે.
ભાજપના કેન્દ્રીય મંત્રીઓએ ખડગેએ પર કર્યા પ્રહાર
મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદન બાદ ભાજપના નેતાઓ કોંગ્રેસ પર પ્રહારો કરવા લાગ્યા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગેને પાર્ટી અધ્યક્ષ બનાવ્યા, પરંતુ તેમને કોઇએ એવું માન્યું નહીં, તેથી તેમણે એવું નિવેદન આપવાનું વિચાર્યું જે સોનિયા ગાંધીએ આપેલા નિવેદનથી પણ ખરાબ છે. કોંગ્રેસે રાષ્ટ્રની માફી માંગવી જોઈએ. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેએ કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અધ્યક્ષ છે, તેઓ દુનિયાને શું કહેવા માંગે છે? પીએમ નરેન્દ્ર મોદી આપણા દેશના પીએમ છે અને આખી દુનિયા તેમનું સન્માન કરે છે. વડા પ્રધાન માટે આવી ભાષાનો ઉપયોગ એ બતાવે છે કે કોંગ્રેસ કયા હદે નીચે ઉતરી છે. અમે ઇચ્છીએ છીએ કે તે (ખડગે) રાષ્ટ્રની માફી માંગે.