કમોસમી વરસાદની આગાહી:- ખેડૂતોની માથેથી મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. આ વખતે ઉનાળામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ફરી ૧ મે સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જેને લઇ ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે. આજે એટલે ૨૯ એપ્રિલે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, વડોદરા, અમરેલી, બોટાદ, ભાવનગર, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી છે. જેને પગલે આજે રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે.
વહેલી સવારથી વરસાદી માહોલ
આજે વહેલી સવારથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ભરઉનાળે રાજ્યમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની માંથે ચિંતાના વાદળો છવાયા છે. આજે અમદાવાદ, અરવલ્લી, ગીર સોમનાથ, મહીસાગર, દ્વારકા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ ખાબકતા રસ્તાઓ ભીના થઈ ગયા છે. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક વ્યાપી જવા પામી છે. તો બહુચરાજી અને પાલનપુરમાં વીજળી પડવાને કારણે બેનાં મોત થયા અને એકની સ્થિતિ ગંભીર છે.
આ જિલ્લાઓમાં આવતીકાલે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે ૩૦ એપ્રિલે અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, કચ્છ, નર્મદામાં વરસાદની આગાહી છે. તો ૧ મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અ,મરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં માવઠું પડી શકે છે. કમોસમી વરસાદને કારણે બાગાયતી ખેતી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.