કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાને જોર પકડ્યું છે. પીએમ મોદીએ બેલગાવીના કુડાચીમાં અને વિજયપુરામાં ચૂંટણી જનસભાને સંબોધી હતી. તો બેંગાલુરુમાં પ્રધાનમંત્રીએ રોડ શો કરી લોકોનું અભિવાનદ ઝીલ્યું હતું. આ અગાઉ પીએમ મોદીએ આજે હુમનાબાદથી ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી. રેલીને સંબોધિત કરતા પીએમએ કહ્યું કે કર્ણાટકની આ ચૂંટણી માત્ર પાંચ વર્ષ માટે સરકાર બનાવવા માટે નહિ, પરંતુ કર્ણાટકને દેશમાં નંબર વન રાજ્ય બનાવવા માટેની ચૂંટણી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે રાજ્યના વિકાસ માટે ડબલ એન્જિનની સરકાર જરૂરી છે.
કર્ણાટક ડબલ શક્તિથી જ દેશનું નંબર વન રાજ્ય બનશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ધારવાડ જિલ્લાના કાલાઘાટીમાં એપીએમસીથી યુવા શક્તિ સર્કલ સુધી રોડ શો કર્યો હતો. તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટી નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ચૂંટણી રેલી અને રોડ શો માટે રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગે અને રાજ્યના અધ્યક્ષ ડી.કે. શિવકુમાર આજે માંડ્યા અને હાસનમાં ચૂંટણી પ્રચાર કરશે. જ્યારે પ્રિયંકા ગાંધી ધારવાડ અને ઉત્તર કન્નડમાં પ્રચાર કરશે. જેડીએસના વરિષ્ઠ નેતા દેવગૌડા બેંગલુરુ રૂરલ અને રામનગરામાં ચૂંટણી પ્રચાર કરશે.