અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીના ૩૭૩ કેસ નોંધાયા જ્યારે કમળાના ૯૨ અને ટાઈફોઈડના ૨૬૯ કેસ નોંધાયા છે. જો કે, પીવાના પાણીના ૭૨ સેમ્પલ પરીક્ષણમાં ફેઇલ થયા છે.
અમદાવાદ શહેરમાં ભરઉનાળે પાણીજન્ય રોગચાળો વધ્યો છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હરકતમાં આવ્યું અને પાણીના સેમ્પલ લઈ ચેકિંગ હાથ ધર્યું છે. શહેરમાં એપ્રિલ મહિનામાં રોગચાળો વધ્યો છે.
એપ્રિલમાં ઝાડા ઉલ્ટીના ૩૭૩ કેસ નોંધાયા છે જ્યારે કમળાના ૯૨ અને ટાઈફોઈડના ૨૬૯ કેસ નોંધાયા છે. જો કે, પીવાના પાણીના ૭૨ સેમ્પલ પરીક્ષણમાં ફેઇલ થયા છે. ખાડીયા, દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર વિસ્તારના પાણીના સેમ્પલ ફેઇલ થયાં છે.
થોડા દિવસ અગાઉ એમએમસી દ્વારા વિવિધ વિસ્તારમાં બરફની ફેક્ટરીમાં ચેકિંગ હાથ ધર્યું હતું. કોર્પોરેશન દ્વારા ૪૬ બરફ ફેક્ટરીઓમાં તપાસ કરવામાં આવી હતી જેમાંથી ૧૧ ફેક્ટરીઓના પાણીના સેમ્પલ અનફિટ આવ્યા હતાં. તેમજ ત્રણ ફેક્ટરીઓને સીલ કરવામાં આવી હતી અને એકને નોટિસ ફટકારવામાં આવી હતી.

ઉનાળાની સિઝનમાં લોકો શેરડીનો રસ તેમજ અન્ય ખાણીપીણીમાં બરફનો ઉપયોગ કરે છે આ સાથે બરફ ગોળાની પણ મજા માણે છે. જો કે જે બરફ પાણીમાંથી બનાવવામાં આવે છે તે શુદ્ધના હોય તો તેનાથી પાણીજન્ય રોગચાળો થઈ શકે છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ બરફની ફેક્ટરીનાં ચેકિંગમાં ૧૧ સેમ્પલો નિષ્ફળ સાબિત થઈ હતી. તેમજ વર્તમાનમાં પાણી જન્ય રોગચાળો વધી રહ્યો છે.