ક્રેમલિન પર ડ્રોન હુમલા બાદ રશિયા ખતરનાક બની ગયું છે. રશિયા પર ડ્રોન એટેક બાદ આક્રમક બનેલી રશિયન સેનાએ દક્ષિણી શહેર ખેરસાન પર બુધવારે રાત્રે ૨૪ ડ્રોનથી હુમલો કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૩ લોકોના મોત થયા છે અને ૪૬ લોકો ઈજાગ્રસ્ત થયા છે. યુક્રેનની વાયુ સેનાએ ગુરુવારે કહ્યું કે, રશિયાએ યુક્રેન પર આખી રાત ૨૪ ડ્રોનથી હુમલો કર્યો, જેમાંથી 18 ડ્રોન તોડી પડાયા છે.
ગર્વનર એલેક્ઝેંડર પ્રોદુકીને કહ્યું કે, રશિયાએ સુપર માર્કેટ, રેલવે સ્ટેશન અને અન્ય રહેણાંક બિલ્ડિંગોને નિશાન બનાવી. તેમણે કહ્યું કે, અમે જ્યાં રહીએ છીએ, તે જગ્યાઓને રશિયાએ નિશાન બનાવી. રશિયાના નિશાના પર અમે અને અમારા બાળકોની જિંદગી હતી. પ્રોદુકીને ઓનલાઈન વીડિયો જારી કરીને કહ્યું કે, આ હુમલામાં ૨૩ લોકોના મોત થયા અને ૪૬ લોકો ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે, રશિયાના હુમલામાં અગાઉ નષ્ટ થયેલ પાવર ગ્રિડ રિપેરિંગનું કામ કરી રહેલા ૩ એન્જીનિયરના પણ ડ્રોન હુમલામાં મૃત્યુ થયા છે.