કર્ણાટક વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બંન્ને પાર્ટીઓ પૂરજોશથી પ્રચાર કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેલ્લારીમાં જનસભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ઘણા ખોટા વચનો અપાયા છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાનો અર્થ છે, તાળાબંધી અને તુષ્ટિકરણનો સમૂહ. હવે કોંગ્રેસની હાલત એટલી ખરાબ છે કે, મારા જય બજરંગ બલી બોલવાથી પણ તેમના પગ ધ્રૂજી રહ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મને જોઈને આશ્ચર્ય થાય છે કે, કોંગ્રેસ પોતાની વોટ બેંક માટે આતંકવાદ સામે ઘૂંટણીએ થઈ ગઈ છે. શું આવી પાર્ટી કર્ણાટકને ક્યારેય બચાવી શકશે? આતંકના માહોલમાં અહીંના ઉદ્યોગ, આઈટી ઉદ્યોગ, ખેતી અને ગૌરવશાળી સંસ્કૃતિનો નાશ થશે. છેલ્લા કેટલાક વર્ષોમાં આતંકવાદનું વધુ એક ભયાનક સ્વરૂપ સામે આવ્યું છે. બોમ્બ, બંદૂક અને પિસ્તોલનો અવાજ સંભળાય છે પણ અંદરથી સમાજને પોકળ કરવાના આતંકવાદી કાવતરાનો અવાજ નથી હોતો.