કર્ણાટકની ચૂંટણીમાં ભાજપે લવ જેહાદનો મુદ્દો ઉછાળ્યો છે. વડાપ્રધાન દ્વારા ધ કેરલ સ્ટોરી પર કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહાર કર્યા છે. આ મુદ્દો કર્ણાટકમાં ભાજપને કેટલો ફાયદો કરાવશે તે જોવાનું રહ્યું.
જેહાદ, લવ જેહાદ, જેહાદી ષડયંત્ર આ બધા શબ્દો ભારતીય રાજકારણમાં ઘણાં સમયથી ચર્ચામાં છે. હવે કર્ણાટકની ચૂંટણી નજીકમાં છે ત્યારે ખુદ પ્રધાનમંત્રી જયારે તાજેતરની ચર્ચિત ફિલ્મ ધ કેરલ સ્ટોરીનો ઉલ્લેખ કરે એટલે સ્વભાવિકપણે કેન્દ્રવર્તી મુદ્દો બનવાનો છે. ધ કેરલ સ્ટોરીનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કોંગ્રેસ ઉપર આકરો પ્રહાર કર્યો અને કહ્યું કે જે છળકપટભરી નીતિથી સમાજને ખોખલો કરે છે તેવા આતંકવાદીઓ સાથે કોંગ્રેસ ઉભી રહી છે. ધ કેરલ સ્ટોરી ફિલ્મને લઈને પણ ઘણાં વિવાદ થયા જો કે કેરળ હાઈકોર્ટે જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ફિલ્મમાં આપતિજનક કશું નથી અને સરવાળે ફિલ્મની રિલીઝનો માર્ગ મોકળો થઈ ગયો. હવે ફિલ્મ કે રાજકારણ બાજુ પર રાખીએ તો વાત આવે છે દીકરીઓને ષડયંત્રથી બચાવવાની. ધ કેરલ સ્ટોરી ભલે એક રાજ્યની કેટલીક યુવતીઓની વાત હોય પણ આજે શરૂઆત એક રાજ્યથી થઈ છે તો જો ધ્યાન નહીં આપવામાં આવ્યું તો આવતીકાલ કેટલી ભયાનક હશે તેની કલ્પના કરવી રહી. આવા સમયે કડક કાયદાની સાથે સામાજિક રીતે આપણે શું ધ્યાન રાખી શકીએ, એક વ્યક્તિ કે સમાજ તરીકે આપણે શું કરી શકીએ કે દીકરીઓને જેહાદી ષડયંત્રથી બચાવી શકાય.
કર્ણાટકની ચૂંટણીમાં ધ કેરલ સ્ટોરી ફિલ્મનો મુદ્દો ઉછળ્યો છે. ખુદ પ્રધાનમંત્રીએ ફિલ્મનો ઉલ્લેખ કર્યો છે. પ્રધાનમંત્રીએ કોંગ્રેસ ઉપર ફિલ્મનો સંદર્ભ લઈને આકરા પ્રહાર કર્યા હતા. PMનું કહેવું છે કે આતંકવાદને પોષતા લોકો સાથે કોંગ્રેસ ઉભી રહી છે. કોંગ્રેસ મતબેંકના રાજકારણ માટે તૃષ્ટિકરણને વેગ આપે છે. `ધ કેરલ સ્ટોરી’ રિલીઝ પહેલાથી જ ચર્ચામાં છે. ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકવાની કોર્ટમાં અરજીઓ પણ થઈ છે. જો કે નામદાર કોર્ટે ફિલ્મ ઉપર પ્રતિબંધની અરજી ફગાવી દીધી છે.
સમાજને ખોખલો કરે એવું આતંકનું સ્વરૂપ વિકસી રહ્યું છે. આવા આતંકી સ્વરૂપનો કોઈ ચહેરો, અવાજ હોતો નથી. સમાજે આતંકના આવા સ્વરૂપની ચિંતા કરવાની જરૂર છે. ધ કેરલ સ્ટોરી ફિલ્મ આતંકીઓની છદ્મ નીતિ ઉપર આધારીત છે. કેરળમા ચાલતા આતંકી ષડયંત્રનો ખુલાસો `ધ કેરલ સ્ટોરી’ ફિલ્મમાં છે. કોંગ્રેસ આવી આતંકી પ્રવૃતિ કરનારા લોકો સાથે ઉભી છે. આતંકી પ્રવૃતિ કરનારા લોકો સાથે કોંગ્રેસ પાછલા બારણે સોદાબાજી કરે છે.
ફિલ્મ ઈસ્લામ વિરુદ્ધ નહીં ISIS સંગઠન ઉપર છે. ફિલ્મમાં આપતિજનક કશું જ નથી. કેરળનો ધર્મનિરપેક્ષ સમાજ ફિલ્મ જેવી છે એ જ સ્વરૂપે નિહાળશે. દેશના નાગરિકોને પોતાના ભગવાન, ધર્મ ઉપર વિશ્વાસ કરવાનો હક છે. કલાકારો પાસે કલાત્મક સ્વતંત્રતા હોય છે જેને બેલેન્સ કરવી પડશે. અનેક ફિલ્મમાં હિંદુ સન્યાસીને બળાત્કારી બતાવ્યા છે પરંતુ કોઈ હોબાળો થયો નથી. લોકોના મન અને મગજમાં ઝેર ભરે એવી સ્વતંત્રતા ઉપર અંકુશ લાગવો જોઈએ.