ચક્રવાત મોચા:- ભારતીય હવામાન વિભાગે વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની સંભાવના છે.
મે મહિનાના પાંચ દિવસો વીતી ગયા છે અને દેશભરમાં હજુ પણ આકરી ગરમી પડી રહી નથી. જોકે, આજથી દેશના અનેક રાજ્યોના તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. તો હજુ ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. દેશના કેટલાક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે તો બીજી તરફ કેટલાક રાજ્યોમાં ચક્રવાત (ચક્રવાત મોચા )ની અસર જોવા મળે તેવી શક્યતાઓ છે. ચાલો જાણીએ દેશભરમાં હવામાનની સ્થિતિ.
બંગાળની ખાડીમાં એક્ટિવ થશે ચક્રવાત
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે (શનિવાર) ૬ મેના રોજ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં એક ચક્રવાત સર્જાશે. જોકે, રાજ્યોમાં હાલ તેની અસર જોવા મળશે નહીં. આ ચક્રવાત ૭ મી મેના રોજ એક લો પ્રેશર બની જશે અને ૯ મેના રોજ મધ્ય બંગાળની ખાડી પર ડીપ ડિપ્રેશન એક ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે. ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાઈ શકે છે. ૧૦ મેના રોજ આ જ ઝડપ ૮૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ૭ મેથી માછીમારો, નાના જહાજો, બોટ અને પ્રવાસીઓને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન આગાહી એજન્સી સ્કાયમેટ અનુસાર, તમિલનાડુ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. પૂર્વોત્તર ભારત, સિક્કિમ, આંધ્રપ્રદેશના ભાગો, તેલંગાણા અને મધ્ય મહારાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. પશ્ચિમ હિમાલય પર એક કે બે મધ્યમ વરસાદ સાથે છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે. ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ રાજસ્થાનમાં હળવો વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે. પંજાબ, હરિયાણા, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવો વરસાદ પડી શકે છે. આ સિવાય ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં દિવસનું તાપમાન ધીમે ધીમે વધી શકે છે.