કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પૂર્વે આજે બેંગલુરુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ૨૬ કિલોમીટર લાંબા મેગા રોડ શો યોજવામાં આવ્યો હતો જેમાં સમગ્ર રૂટ પર વિશાળ જનમેદની ઉમટી પડી હતી. બેંગલુરુના સંસદસભ્યો પીસી મોહન અને તેજસ્વી સૂર્યા પ્રધાનમંત્રીની સાથે હતા. આ રોડ શો સવારે ૧૦.૦૦ વાગ્યે જેપી નગરના સોમેશ્વરા સભા ભવનથી શરૂ થઈ અને બપોરે મલ્લેશ્વરમના ગોકાક મૂવમેન્ટ પાર્કમાં પહોંચ્યો હતો.
આજે જ્યારે પ્રધાનમંત્રીએ ૨૬ કિલોમીટર લાંબો રોડ શો કર્યો ત્યારે બેંગલુરુમાં તે એક દુર્લભ દૃશ્ય હતું. સવારના ૦૭:૦૦ વાગ્યાથી જ રસ્તાની બંને બાજુ લોકો એકઠા થવા લાગ્યા હતા. સમગ્ર રૂટ દરમિયાન, તેઓએ પ્રધાનમંત્રીનું અભિવાદન કર્યું અને પ્રધાનમંત્રીએ હર્ષભેર અભિવાદન ઝીલ્યું હતું.
પ્રધાનમંત્રીને મળવા અને જોવા ઉમટેલી જનમેદનીએ પ્રધાનમંત્રી પર ફૂલોની વર્ષા કરી હતી અને ‘ભારત માતા કી જય’ અને ‘મોદી મોદી’ના નારા લગાવ્યા. શો દરમિયાન નર્તકો, શાસ્ત્રીય નૃત્યકારો અને ડ્રમ સાથે લોક કલાકારોએ આ રોડ શોની શાન અને રોનક વધારી હતી. નોંધનીય બાબત એ હતી કે રોડ શો દરમિયાન લોકોએ બજરંગી ઝંડા પ્રદર્શિત કર્યા હતા.