વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે તત્કાલિન કલેક્ટર સુજલ મયાત્રા પર નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.

ભ્રષ્ટાચારના આક્ષેપો સામાન્ય રીતે વિપક્ષો કરતા હોય છે. પરંતુ કોઈ સત્તાધારી પાર્ટીના નેતા તે આક્ષેપ લગાવે તો.? સ્વાભાવિક રીતે સવાલો ઉઠવાના, હાલ આવું જ કાંઈક સામે આવ્યું છે. ભાજપના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે પોતાના મત વિસ્તારમાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ લગાવ્યા છે અને મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે.
વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે તત્કાલિન કલેક્ટર સુજલ મયાત્રા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. જેઠા ભરવાડે નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કર્યો છે. તેમનો આક્ષેપ છે કે સુજલ મયાત્રા પંચમહાલના કલેક્ટર હતા ત્યારે ગેરરીતિ કરી હતી. નલ સે જલ યોજનામાં ૯૦ જેટલા ગામમાં કામ થયા હતા. મયાત્રાએ પોતાની નજીકની સંસ્થાને કામ આપીને ગેરરીતિ કરી હતી. હવે આ કેસમાં જો ACB તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવી શકે છે.
ધારસભ્યની રજૂઆતમાં કેટલું સત્ય છે તે તો રાજ્યભરમાંથી વાસ્મો યોજનામાં સામે આવેલી કેટલીક હકીકતો પુરવાર કરે છે. અંતરિયાળ ગામોમાં લોકો પાણી માટે રઝળપાટ કરી રહ્યાં છે અને દરેક જગ્યા પર સરકાર નલ સે જલ યોજના શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે. તેવામાં જોવાનું રહ્યું કે, સત્તા પક્ષના જ ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષના આ પત્ર બાદ ભષ્ટ્રાચાર મુદ્દે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે