મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં શિખંડીથી ઇંદોર જઇ રહેલી બસ પુલ પરથી પડી જતા ૨૨ લોકોના મોત જ્યારે ૩૧ લોકો ઘાયલ થયા છે. બસ દસંગા અને ડોંગરા ગામ વચ્ચેથી પસાર થઇ રહી હતી તે દરમિયાન રેલિંગ તોડીને બસ નદીમાં પડી. આ દુર્ઘટનામાં ડ્રાઇવર, શિફ્ટ ડ્રાઇવર સહિત ક્લિનર પણ મોતને ભેટ્યા છે. ઘાયલોને સારવાર માટે પ્રાથમિક સારવાર કેન્દ્ર તથા ખરગોન જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયા છે. તો આ દુઃખદ ઘટનાને પગલે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દુઃખ વ્યક્ત કર્યુ. મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. મૃતકોના પરિજનોને ૪ લાખ રૂપિયાની સહાય, ગંભીર રીતે ઘાયલ થનારને ૫૦,૦૦૦ તથા સાધારણ ઘાયલ થનારને રૂપિયા ૨૫,૦૦૦ સહાયની જાહેરાત કરી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશના ખરગોન ખાતે બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. એક ટ્વિટમાં રાષ્ટ્રપતિએ કહ્યું, તે અકસ્માતમાં અનેક જાનહાનિના સમાચારથી ખૂબ જ દુઃખી છે. તેણીએ દુર્ઘટનામાં તેમના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ખરગોન ખાતે બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ આ અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આજે એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર સ્થળ પર તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યું છે. દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી બે લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે.