હવામાન વિભાગ (IMD) અનુસાર ચક્રવાત મોચા ૧૩ મે ની સાંજ સુધીમાં ખતરનાક વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. જે બાદ ૧૩૫ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધવાની સંભાવના છે.
ચક્રવાત મોચાના ભણકારા વાગી રહ્યા છે એવામાં હવામાન વિભાગ (IMD) અનુસાર ચક્રવાત મોચા ૧૩ મે ની સાંજ સુધીમાં એટલે કે આજ સાંજ સુધીમાં ખતરનાક વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. જે બાદ ૧૩૫ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધવાની સંભાવના છે. જો કે આ ચક્રવાતની અસર શુક્રવાર રાતથી જ જોવા મળવાની હતી આવી સ્થિતિમાં હવામાન વિભાગે ૩ દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે અને રાજ્ય સરકારોએ તમામ સંબંધિત અધિકારીઓને જાન-માલના નુકસાનને રોકવા માટે તમામ સાવચેતીનાં પગલાં લેવા જણાવ્યું છે.
ચક્રવાત મોચા બાંગ્લાદેશ-મ્યાનમાર તટ તરફ આગળ વધશે અને સાવચેતીના પગલાં લઈને પશ્ચિમ બંગાળ સરકારે નીચાણવાળા અને દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરીને લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલ્યા છે. IMDના અધિકારીએ જણાવ્યું હતું કે ચક્રવાતી તોફાન ‘મોચા’ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં મધ્ય બંગાળની ખાડી ક્ષેત્રને લગતા ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. હવે તે ૯ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે.
IMDએ જણાવ્યું કે ચક્રવાત મોચા શનિવારે સાંજે તેની ટોચની તીવ્રતા પર પહોંચી જશે. તે બાંગ્લાદેશઅને મ્યાનમાર વચ્ચે દક્ષિણપૂર્વ બાંગ્લાદેશ અને ઉત્તર મ્યાનમારના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. રવિવારે બપોરના મ્યાનમારની નજીક આવશે. ચક્રવાત મોચાના કારણે ૧૪૦ – ૧૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને તેની મહત્તમ ઝડપ ૧૬૫ કિમી પ્રતિ કલાક સુધીની હોઈ શકે છે.
ચક્રવાત મોચાના અસરની વાત કરીએ તો ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર અને દક્ષિણ આસામમાં મોટાભાગના સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. જેના કારણે આ રાજ્યોમાં શનિવાર અને રવિવારે જનજીવન પ્રભાવિત થઈ શકે છે. આ સાથે જ વરસાદ અને પવનને કારણે પૂર્વોત્તર રાજ્યોમાં ભૂસ્ખલનની શક્યતા છે.