અકોલા હિંસા સમાચાર:- કમિશનરે સશસ્ત્ર પોલીસના પેટ્રોલિંગ અને શાંતિ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ.
મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં હિંસા બાદ હવે નાગપુરને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, નાગપુર જિલ્લામાં પણ હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે. નાગપુર જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથેની બેઠક બાદ કમિશનરે સશસ્ત્ર પોલીસના પેટ્રોલિંગ અને શાંતિ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ જાહેર કર્યો હતો.
મહારાષ્ટ્રના અકોલા શહેરમાં સોશિયલ મીડિયા પોસ્ટ પર ૨ સમુદાયો વચ્ચે અથડામણ થતાં ૧ વ્યક્તિનું મોત થયું છે અને ૨ પોલીસકર્મીઓ સહિત ૮ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, સંવેદનશીલ ‘ઓલ્ડ સિટી’ વિસ્તારમાં શનિવારે રાત્રે લગભગ ૧૧.૩૦ વાગ્યે થયેલી અથડામણના સંબંધમાં પોલીસે અત્યાર સુધીમાં ૪૫ લોકોની ધરપકડ કરી છે. સમગ્ર શહેરમાં ઇન્ટરનેટ સેવા સ્થગિત કરવાની સાથે યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે.
અકોલામાં હિંસાની ઘટના સામે આવ્યા બાદ અહમદનગરમાં પથ્થરમારો, મહારાષ્ટ્રના અહમદનગરમાં રવિવારે રાત્રે બે જૂથો વચ્ચે ઉગ્ર પથ્થરમારો થતાંપોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. પથ્થરબાજીની ઘટના શેવગાંવ શહેરમાં છત્રપતિ સંભાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે કાઢવામાં આવેલી શોભાયાત્રા દરમિયાન બની હતી, ત્યારબાદ ટોળાએ દુકાનો અને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ હિંસક અથડામણમાં ચાર પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.
અકોલા જિલ્લા મેજિસ્ટ્રેટ નીમા અરોરાએ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લોકોની ગેરકાનૂની સભાને રોકવા માટે શહેરના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ફોજદારી પ્રક્રિયા સંહિતા ( CrPC ) ની કલમ ૧૪૪ લાદવાનો આદેશ આપ્યો હતો. પોલીસ અધિક્ષક (SP) સંદીપ ઘુગેએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધાર્મિક પોસ્ટ વાયરલ થયા બાદ હિંસા થઈ હતી.