સંસદમાં ઈમરાનને ફાંસી આપવાની ઊઠી માંગ

પાકિસ્તાનમાં એકતરફ ઈમરાન ખાનનાં સમર્થકો છે તો બીજી તરફ તેના વિરોધીઓ છે. તો હવે પાક. સંસદમાં ઈમરાન ખાનને ફાંસી આપવાની માંગ ઊઠી છે.

પાકિસ્તાનની રાજનૈતિક સ્થિતી સુધરવાનું નામ નથી લઈ રહી. પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને SC તરફથી જામીન તો મળી ગઈ છે પરંતુ હવે ઈમરાનની વિરોધી રાજનૈતિક પાર્ટીઓ આગળ આવી છે. ઈમરાનની મુક્તિનાં વિરોધમાં PDMએ સુપ્રીમ કોર્ટની સામે પ્રદર્શન શરૂ કર્યું છે. એટલું જ નહીં લોકોએ ત્યાં પોતાનાં કેમ્પ બનાવી લીધાં છે.

પાકિસ્તાનની સંસદમાં ઈમરાન ખાનને ફાંસી આપવાની માંગ ઊઠવા લાગી છે. નેશનલ એસેંબલીમાં વિપક્ષ નેતા રાજા રિયાઝ અહમદ ખાને કહ્યું કે ‘ઈમરાન ખાનને જાહેરમાં ફાંસી થવી જોઈએ પરંતુ કોર્ટ તો તેમનું એવી રીતે સ્વાગત કરી રહી છે કે જાણે તેઓ તેના જમાઈ હોય.’ તો બીજી તરફ ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીને લાહોર હાઈકોર્ટથી ૨૩ મે સુધી જામીન મળી છે.

પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેંટ PDM અનેક પાર્ટીઓનું બનેલું એક સંગઠન છે જેમાં પાકિસ્તાન મુસ્લિમ લીગનાં નવાઝ, જમીયત ઉલેમા-એ-ફઝલ અને PPP સહિત અનેક પાર્ટીઓ શામેલ છે.
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)ના વડા અને પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ પાકિસ્તાન આર્મી એક્ટની કલમ ૫૯ અને ૬૦ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.૯ મેના રોજ ઇમરાન ખાનની ઇસ્લામાબાદ હાઈકોર્ટ ખાતે ધરપકડ કરાઈ હતી અને ત્યાર બાદ સમગ્ર દેશમાં હિંસા ભડકી ઊઠી હતી એ વખતે પાકિસ્તાની સેનાના વડા જનરલ આસિમ મુનિરે તોફાનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દેખાવકારોને ભડકાવનારાઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે અને હવે જ્યારે પાક.સેનાએ ઇમરાન વિરુદ્ધ ખતરનાક કાયદા હેઠળ દાખલ કર્યો હોવાથી ઇમરાનને મોતની સજા થઈ શકે છે એવી વાતો જોરશોરથી વહેતી થઈ છે.

સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનને રાહત આપતા પાકિસ્તાન શાસક પક્ષના કાર્યકરો આજે સુપ્રીમ કોર્ટની બહાર ધરણાં કરી રહ્યાં છે. સત્તાધારી પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ડ (પીડીએમ)ના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને સુપ્રીમ કોર્ટ બહાર ધરણાં કરવાનો નિર્ણય કર્યો છે. દરમિયાન, એવા પણ અહેવાલો છે કે પાક.સેનાએ દેશદ્રોહના આરોપમાં ઇમરાન અને  તેનાં પત્નીને દસ વર્ષ સુધી  જેલમાં રાખવાની યોજના બનાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *