સચિન પાયલટે મુખ્યમંત્રી ગેહલોત અને પાર્ટી હાઇકમાન્ડને ૩૦ મે સુધીનું અલ્ટિમેટમ આપ્યું

રાજસ્થાન રાજકીય કટોકટી સમાચાર:- રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે રાજકીય નિવેદનો અને આંતરિક મતભેદો જગજાહેર, પડતર માંગણીઓ પર કાર્યવાહી કરવા ૧૫ દિવસનું અલ્ટીમેટમ.

રાજસ્થાનમાં સંકટ વધ્યું

કર્ણાટકમાં કોંગ્રેસની જીત વચ્ચે હવે રાજસ્થાન કોંગ્રેસ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, છેલ્લા કેટલાય સમયથી સચિન પાયલોટ ચર્ચામાં રહ્યા છે. જોકે આ બધાની વચ્ચે સચિન પાયલટે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસ પાર્ટી હાઇકમાન્ડને ૩૦ મે સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. સચિન પાયલટે હુંકાર ભર્યો છે કે, જો તેમની માંગણીઓ પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો પછી તેઓ સમગ્ર રાજસ્થાનમાં એક મોટું આંદોલન કરશે. હવે તમને થશે કે એવું તે શું થયું કે સચિન પાયલટ ફરી એકવાર ચર્ચામાં આવ્યા. તો આવી જાણીએ સમગ્ર મામલો.

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે રાજકીય નિવેદનો અને આંતરિક મતભેદો એ જગજાહેર છે. આ તરફ તાજેતરમાં જ કર્ણાટકમાં કોંગ્રેસની પ્રચંડ જીત થતાં પક્ષને થોડીક રાહત મળીને ત્યાં હવે રાજસ્થાનથી કોંગ્રેસ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સચિન પાયલટે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતને ૧૫ દિવસનો સમય આપ્યો છે.  સચિન પાયલોટે સ્પષ્ટ કર્યું છે કે, હાઈકમાન્ડે મે મહિનાના અંત પહેલા નિર્ણય લેવો જોઈએ.

કોંગ્રેસ નેતા સચિન પાયલટે સીધું કંઈ કહ્યું ન હતું. પાયલોટ દ્વારા કરવામાં આવેલી માંગણીઓ અનુસાર વસુંધરા રાજે સરકારના ભ્રષ્ટાચારની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય કમિશન બને, રાજસ્થાન સેવા પસંદગી આયોગ જેના પેપર લીક થયા છે, તે કમિશનની પુનઃરચના થવી જોઈએ અને પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓને થયેલા નુકસાનની ભરપાઈ થવી જોઈએ તેવી માંગ હોઇ શકે છે.

કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે. આ બધાની વચ્ચે સચિન પાયલોટ રાજસ્થાનમાં પોતાની જ સરકાર વિરુદ્ધ જ આંદોલનના એંધાણ વર્તાવી રહ્યા છે. મહત્વનું છે કે, સચિન પાયલોટની પદયાત્રાના અંતિમ દિવસે ભારે ભીડ જામી હતી. આ ભીડના ઉત્સાહમાં પાયલોટના સમર્થકોએ કોંગ્રેસ વતી તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાની માંગ કરી હતી. પરંતુ પાઇલોટ્સ તેમની વ્યૂહરચનાથી હટ્યા ન હતા. ગેહલોત સરકાર અને પાર્ટી હાઈકમાન્ડને અલ્ટીમેટમ આપતા પાયલોટે કહ્યું કે, જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો તે સમગ્ર રાજ્યમાં મોટું આંદોલન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *